નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં બધી 29 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે નોટાની રેકોર્ડતોડ મતો મળ્યા છે અને એ પણ કોંગ્રેસની અપીલ પર. કોંગ્રેસે ઇન્દોર સીટના મતદાતાઓને અપીલ કરી હતી કે તેઓ નોટાને મત કરે એટલે કે કોઈ પણ ઉમેદવાર પસંદ નહીના વિકલ્પ પર. હાલ આ સીટ પર શંકર લાલવાણીને 10 લાખથી વધુ મત મળ્યા છે, પણ બીજા ક્રમે નોટા છે, જે બે લાખથી વધુ મતો હાંસલ થયા છે.
ઇન્દોરમાં નોટાએ બિહારના ગોપાલગંજનો પાછલો રેકોર્ડ તોડ્યો છે. ગોપાલગંજમાં નોટાને 51,660 મતો મળ્યા હતા. બીજા ક્રમે પશ્ચિમ ચંપારણમાં 45,609 મતો નોટાને મળ્યા હતા.
લાલવાણીએ બનાવ્યો રેકોર્ડ
શંકર લાલવાણીએ ઇન્દોર લોકસભા સીટથી 10 લાખથી વધુ મતોના અંતરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. લાલવાણીને આ વખતે ઇન્દોરની જનતાએ 12,26,000થી વધુ મતો આપ્યા હતા. જ્યારે બીજા ક્રમે નોટા છે, જેને 2,06,224 મતો મળ્યા છે. આ સિવાય BSPના ઉમેદવાર સંજય સોલંકીને 50,000 તો અખિલ ભારતીય પરિવાર પાર્ટીના પવનકુમારને આશરે 14,500 મતો મળ્યા હતા.
ઇન્દોર સીટ પર કોંગ્રેસે અક્ષય કાંતિ બમને મેદાનમાં ઉતાર્યા હતા, પણ તેમણે ઉમેદવારી પરત ખેંચતાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસે ઉમેદવાર દ્વારા નામાંકન પરત લીધા પછી નોટાનો પ્રચાર કર્યો હતો અને એક ચૂંટણી ઝુંબેશ ચલાવી હતી.18મી લોકસભા ચૂંટણીમાં મત ગણતરી ચાલી રહી છે. આ વખતે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે અને ભાજપના ગઠબંધનને ઇન્ડિયા ગઠબંધનથી કાંટાની ટક્કર મળી રહી છે.