ગેંગસ્ટર ગોલ્ડી બ્રારઃ ‘મારી ધરપકડ કરાઈ નથી’

ચંડીગઢઃ પંજાબી ગાયક અને કોંગ્રેસી નેતા સિધૂ મૂસેવાલાની હત્યાના સૂત્રધાર મનાતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અમેરિકાના કેલિફોર્નિયામાં પકડાઈ ગયાનો પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને દાવો કર્યા બાદ હવે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. ગોલ્ડી બ્રારનો એક કથિત ઈન્ટરવ્યૂ ઓનલાઈન પર જોવા મળ્યો છે. એમાં તેણે એવો દાવો કર્યો છે કે પોતાની ધરપકડ કરાઈ નથી અને પોતે અમેરિકામાં પણ નથી.

ભગવંત માને ગઈ બીજી ડિસેમ્બરે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે મૂસેવાલા હત્યા કેસના કથિત સૂત્રધાર બ્રારની કેલિફોર્નિયામાં પોલીસે ધરપકડ કરી લીધી છે અને એને ચોક્કસપણે ભારત લાવવામાં આવશે. એ ટૂંક સમયમાં જ પંજાબ પોલીસની કસ્ટડીમાં આવશે.

પરંતુ, બ્રારે યૂટ્યૂબ પર એક પત્રકારને કથિતપણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની ધરપકડ કરાઈ હોવાના દાવાઓનું ખંડન કર્યું હતું. આ ઈન્ટવ્યૂની વિશ્વાસપાત્રતાને હજી પુષ્ટિ મળી નથી. તે કથિત ઈન્ટરવ્યૂમાં, એક વ્યક્તિ પોતાને ગોલ્ડી બ્રાર તરીકે ઓળખાવે છે અને એવો દાવો કરે છે કે એની ધરપકડ કરવામાં આવી નથી અને પોતે અમેરિકામાં નથી. ઉલ્લેખનીય છે કે, ગયા મે મહિનામાં પંજાબના માનસા શહેરમાં સિધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરાયા બાદ તે કૃત્યની જવાબદારી બ્રારે સોશ્યલ મીડિયા મારફત લીધી હતી.