મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારની રચનાનું મોટું નાટક ચાલી રહ્યું છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું છે કે અમારા કુલ 54 વિધાનસભ્યોમાંથી 52 અમારી પાસે છે. જે સભ્યો ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માટે અજીત પવારની સાથે ગયા હતા એમાંના મોટા ભાગના અમારી પાસે પાછા ફરી ચૂક્યા છે. માત્ર બે જ બાકી છે. અજીત પવાર અને અણ્ણા બનસોલે.
મલિકે કહ્યું છે કે બનસોલે પણ અમારા સંપર્કમાં છે. તેથી અમે અજીત પવારને વિનંતી કરીએ છીએ કે તેઓ એમની ભૂલ સુધારે અને પક્ષમાં પાછા ફરે.
એનસીપીની સહયોગી પાર્ટી શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ અજીત પવારને માફી આપવાનો સંકેત કરતા કહ્યું કે સુબહ કા ભૂલા શામ કો ઘર લૌટ આયે તો ઉસે ભૂલા નહીં કહતે.
મલિકે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભામાં એમની બહુમતી પુરવાર કરી નહીં શકે.
પોતાના વિધાનસભ્યોને ભાજપ ફોડી ન શકે એટલા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પાર્ટીએ પોતપોતાના વિધાનસભ્યોને મુંબઈની જુદી જુદી હોટેલોમાં રાખ્યા છે. શિવસેનાનાં વિધાનસભ્યોને લલિત હોટેલમાં, એનસીપીના સભ્યોને રિનેસાં હોટેલમાં અને કોંગ્રેસે તેનાં વિધાનસભ્યોને જે.ડબલ્યુ. મેરિયટ હોટેલમાં રાખ્યા છે.
ગયા શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા ત્યારે નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લેનાર NCPના વિધાનસભ્ય અને પક્ષપ્રમુખ શરદ પવારના ભત્રિજા અજીત પવારે ગઈ કાલે સાંજે અસંખ્ય ટ્વીટ કર્યા હતા. એમાં તેમણે લખ્યું હતું કે હું હજી એનસીપીમાં જ છું, શરદ પવાર જ અમારા નેતા છે. બીજેપી-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપશે અને પાંચ વર્ષ સુધી ટકશે. અમે મહારાષ્ટ્રની જનતાના કલ્યાણ માટે કામ કરીશું.
આ ટ્વીટ રિલીઝ કરાયાના બીજા જ કલાકે એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ખૂબ વિલંબ થયો છે. સરકાર રચવા માટે ભાજપ સાથે એનસીપી ગઠબંધન કરે એવો કોઈ સવાલ જ ઊભો થતો નથી. અમે (એનસીપી-કોંગ્રેસ) સંગઠિત રહીને શિવસેના સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે. અજીત પવારનું નિવેદન ખોટું છે. એ લોકોમાં ખોટો ભ્રમ પેદા કરે છે.