નવી દિલ્હીઃ દિલ્હી સરકારના જાહેરાતનો ખર્ચ જોઈને સુપ્રીમ કોર્ટ પણ અચંબામાં પડી ગઈ હતી. સરકારે છેલ્લાં ત્રણ વર્ષોમાં જાહેરાત પાછળ રૂ. 1073 કરોડ ખર્ચી નાખ્યા હતા. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવેટમાં દાખલ કરીને આમ જણાવ્યું છે. આ એફિડેવિટ જોઈને જસ્ટિસ લાલપીળા થઈ ગયા હતા. જે પછી તેમણે સરકાર તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ મનુ સિંઘવીને સીધી ચેતવણી આપતાં ધમકાવી કાઢ્યા હતા.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ (RRTS- રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)થી જોડાયેલા કેસની સુનાવણી કરી રહ્યા હતા. દિલ્હી સરકાર પર ગઈ સુનાવણીમાં આરોપ લાગ્યો હતો કે એ આ પ્રોજેક્ટ માટે પૈસા જારી નથી કરી રહી. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે એ વિશે રિપોર્ટ માગ્યો હતો. એ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ખંડપીઠે લાલ આંખ કરી હતી.
પ્રોજેક્ટ માટે પૈસા નહીં આપ્યા તો સીઝ થશે જાહેરાતો
જસ્ટિસ સંજય કિશન કૌલે એડવોકેટ અભિષેક મનુ સિંધવીને ધમકાવતાં કહ્યું હતું કે RRTS પ્રોજેક્ટ માટે પૈસા જારી નહીં કરવામાં આવે તો અમે તમારી જાહેરાતનું બજેટ સીઝ કરવાનો આદેશ પણ આપી શકીએ છીએ. સિંઘવીએ ખંડપીઠને વિશ્વાસ આપતાં કહ્યું હતું કે સરકાર પ્રોજેક્ટ માટે પૈસા આપવાથી પાછળ નહીં હટે તો એને હપતાઓમાં આપીશું. ખંડપીઠનું કહેવું હતું કે પ્રોજેક્ટ માટે પૈસા આમ પણ હપતામાં આપવાના છે.
કોર્ટે આદેશ જારી કર્યો હતો કે બાકી રકમની ચુકવણી પણ કરવામાં આવે. RRTS પ્રોજેક્ટને કોર્ટે ઘણો ગંભીરતાથી લીધો છે. પાછલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પર્યાવરણને મામલે એ સમજૂતી નહીં કરે.