નવી દિલ્હીઃ ‘કાંગારું અદાલતો’ ચલાવવા બદલ દેશના વડા ન્યાયમૂર્તિ (CJI) એન.વી. રમનાએ ગઈ કાલે પ્રચારમાધ્યમોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ અને દેશમાં ન્યાયાધીશો પર કરવામાં આવી રહેલા હુમલાઓનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજીજુએ આજે કહ્યું છે કે ભારતમાં ન્યાયતંત્ર જેટલું સ્વતંત્ર છે એટલું દુનિયામાં બીજે ક્યાંય નથી.
રીજીજુએ એમ પણ કહ્યું છે કે ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કોર્ટ ટ્રાયલ તેમજ સોશ્યલ મીડિયા વિશે સીજેઆઈ રમનાએ વ્યક્ત કરેલું અનુમાન ભારતમાં તેમજ દુનિયાભરમાં હાલ પ્રવર્તતી પરિસ્થિતિ અનુસારનું છે… આ વિશે જાહેરમાં ચર્ચા થઈ શકે છે, પરંતુ હાલને તબક્કે હું ચીફ જસ્ટિસ રમનાએ જે કહ્યું છે એ વિશે કંઈ કમેન્ટ કરવા માગતો નથી. ભારતમાં ન્યાયાધીશો અને ન્યાયતંત્રનું સંપૂર્ણપણે રક્ષણ કરવામાં આવે છે અને હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતમાં ન્યાયાધીશો અને ન્યાયતંત્ર જેટલા સ્વતંત્ર છે એટલા દુનિયામાં બીજે ક્યાંય નથી.
વડા ન્યાયમૂર્તિ રમનાએ ગઈ કાલે એક કાર્યક્રમમાં એમ જણાવ્યું હતું કે અમુક મુદ્દાઓ પર અનુભવી ન્યાયાધીશોને પણ નિર્ણય કરવાનું મુશ્કેલ હોય છે ત્યાં ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશ્યલ મીડિયાવાળાઓ એમની કાંગારું અદાલતો ચલાવે છે.