રેલવેને ત્રણ વર્ષમાં રૂ. 1376 કરોડનું નુકસાન થયું: રેલવેપ્રધાન

નવી દિલ્હીઃ વર્ષ 2019થી માંડીને અત્યાર સુધી રેલવેને કુલ રૂ. 1376 કરોડનું નુકસાન થયું છે. પેસેન્જર ટ્રેનોથી રેલવેને કોઈ લાભ નથી થતો, પણ માલગાડી ના હોત તો રેલવે બેસી જાત. રેલવે એક યાત્રી પાસેથી પૂરી યાત્રાનું માત્ર અડધું ભાડું જ લે છે, એમ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અગ્નિપથ યોજનાના વિરોધને કારણે રેલવેને રૂ. 259.44 કરોડનું નુકસાન થયું છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં. ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર તોડફોડ અને આગ ચાંપવાના બનાવ બન્યા હતા. જેને લીધે કરોડોની સંપત્તિને નુકસાન થયું હતું.

તેમણે કહ્યું હતું કે રેલવેને હડતાળ અને આંદોલનને કારણે વર્ષ 2019-20માં રૂ. 151 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે વર્ષ 2020-21માં રૂ. 940 કરોડનું નુકસાન થયું હતું. વર્ષ 2021-22માં રેલવેને રૂ. 62 કરોડનું નુકસાન થયું હતું. આમ અત્યાર સુધી રેલવેને રૂ. 1376 કરોડનું નુકસાન થયું હતું.

તેમણે કહ્યું હતું કે રેલવેની કમાણી કોરોનાને કારણે 2019-20ની તુલનામાં છેલ્લાં બે વર્ષોમાં ઓછી રહી હતી, જેને કારણે રેલવેને ભારે નુકસાન થયું હતું. તેમણે કહ્યું હતું કે રેલવે રેલ યાત્રીઓનાં ભાડાના 50 ટકાનો ભાર વહન કરી રહ્યું છે. જેથી ટ્રેનમાં પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને રેલવે દ્વારા ભાડામાં અપાતી છૂટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. વળી ટ્રેનોમાં પ્રવાસ કરતા ખેલાડીઓને ભાડામાં કોઈ પણ પ્રકારની છૂટ નથી આપવામાં આવતી, એમ તેમણે કહ્યું હતું.