EDએ WBના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી

કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) મમતા બેનરજીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. શિક્ષક ભરતી કૌભાંડ મામલે પાડવામાં આવેલા દરોડા અને તેમની સઘન પૂછપરછ પછી ચેટરજીની કોલકાતા સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. EDએ તેમની સાથે તેમની નજીકની સહયોગી અર્પિતા મુખરજીની પણ ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની નજીકની સહયોગી અર્પિતા પાસેથી દરોડા પાડીને રૂ. 20 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા, એમ EDએ જણાવ્યું હતું.

 EDના ટ્વિટર હેન્ડલથી શુક્રવારે એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા પંચ અને પશ્ચિમ બંગાળની શિક્ષા પરિષદની ભરતી ભ્રષ્ટાચાર તપાસના સિલસિલામાં કેટલીય જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી, જેની સાથે નોટોના બંડલના ફોટો શેર કરવામાં આવ્યા હતા.

EDને અર્પિતાની સામે કેટલાક સજ્જડ પુરાવા હાથ લાગ્યા હતા, જે પછી તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. કેટલાય કલાકોના દરોડામાં નોટોનો ઢગલો સામે આવી ગયો હતો. આ દરોડામાં તેમના ઘરમાંથી 20 ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ અને ઉપયોગ વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. EDએ નિવેદનમાં કહ્યું હતું કે ચેટરજી સિવાય શિક્ષણ રાજ્યપ્રધાન પરેશ સી. અધિકારી, વિધાનસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

CBI હાઇ કોર્ટના નિર્દેશ પર પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા પંચની ભલામણો પર સરકાર દ્વારા પ્રાયોજિત  અને સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં ગ્રુપ ‘સી’ અને ‘ડી’ના ક્રમયચારીઓ અને શિક્ષકોની ભરતીમાં થયેલી ગેરરીતિની તપાસ કરી રહી છે. બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલાથી સંબંધિત મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.