પુણેઃ ‘કોવિશીલ્ડ’ કોરોના રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીમાં ગઈ કાલે પાંચ કામદારોનો ભોગ લેનાર ભીષણ આગની દુર્ઘટના બાદ આજે, કંપનીના સીઈઓ અદર પૂનાવાલાએ પત્રકાર પરિષદમાં પુનરોચ્ચાર કર્યો છે કે પ્લાન્ટ ખાતે રસીના ઉત્પાદન પર કોઈ માઠી અસર પહોંચી નથી. રસીઓનો સ્ટોક સુરક્ષિત સ્થિતિમાં છે, એને કોઈ નુકસાન થયું નથી એની હું ખાતરી આપું છું. આગને કારણે રૂ. 1000 કરોડની કિંમતની સાધનસામગ્રી તથા ઉત્પાદનને નુકસાન ગયું છે. આગ લાગી હતી તે એકદમ નવું જ બિલ્ડિંગ હતું. બીસીજી અને રોટાવાઈરસની રસીઓ ભવિષ્યમાં ત્યાં બનાવવામાં આવનાર હતી. હાલ ત્યાં કોઈ રસીનું ઉત્પાદન કરાતું નહોતું એટલે કોઈ રસીને નુકસાન થયું નથી. પત્રકાર પરિષદમાં પૂનાવાલાની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ઉપસ્થિત હતા. આગના કારણ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું કે દુર્ઘટના અંગે તપાસ ચાલી રહી છે. ત્યાં સુધી અમે કોઈ કમેન્ટ કરવા માગતા નથી.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ માત્ર દેશની નહીં, પણ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે અને પુણેમાં તેનો પ્લાન્ટ 100 એકર જમીન પર પ્રસરાયેલો છે. 8થી 9 બિલ્ડિંગ છે. જ્યાં પોલિયો, ડિપ્થેરિયા, ટીટેનસ, હેપેટાઈટીસ-બી, ઓરી-અછબડાં, ગાલપચોળિયાં, રુબેલા (જર્મન ખરજવું અથવા ત્વચા પર લાલ ચાઠાં પડવાનો વાઈરસ)ની રસી તૈયાર કરવામાં આવે છે.