નીતિશ કુમારે મને દિકરાની જેમ રાખ્યો: પ્રશાંત કિશોર

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની મિત્રતા વિશે સૌ કોઈ જાણે છે. પણ આ મિત્રતામાં છેલ્લા થોડા સમયથી તિરાડ પડી ગઈ છે. બંનેના સંબધોને લઈને પ્રશાંત કિશોરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં કિશોરે કહ્યું કે, નીતિશ કુમારે મને પુત્રની જેમ રાખ્યો. ભલે મને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોય તેમ છતાં હું તેમનું સન્માન કરું છું. પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે મતભેદ થવાનું કારણ પણ જણાવ્યું. સાથો સાથ નામ લીધા વગર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું. એકબાજુ જ્યાં તેમણે બિહાર વિકાસના મુદ્દા પર નીતિશ કુમારની આલોચના કરી તો બીજીબાજુ ટ્વિટર અને ફેસબુકના ઉપયોગને લઇ નામ લીધા વગર પીએમ મોદી-અમિત શાહ પર પ્રહારો કર્યા.

પ્રશાંત કિશોરે કહ્યું કે, મને પાર્ટીમાં સામેલ કરવો અને પાર્ટીમાંથી બહાર કરવાના નિર્ણયનો હું દિલથી સ્વીકાર કરુ છું. હું એ વિષય પર કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો એ તેમનો અધિકાર હતો. નીતિશ કુમાર માટે હંમેશા મારા દિલમાં આદર રહેશે. અમારી વચ્ચે બે કારણોને લઈને મતભેદ હતા.

તેમણે કહ્યું કે પ્રથમ કારણ છે વિચારધારા, નીતિશજીનું કહેવું છે કે, તે ગાંધી, જેપી અને લોહિયાને અને તેની વાતોને નહીં છોડી શકે. પણ મારા મનમાં એ મૂંઝવણ છે કે, જો તેઓ એવા વિચારતા હોય તો પછી તે ગોડસેની વિચારધારા ધરાવતા લોકો સાથે કેવી રીતે રહી શકે. ભાજપ સાથે તેમના જોડાણથી કોઈ મુશ્કેલી નથી પણ બંને વસ્તુ એક સાથે ન થઈ શકે. તેમના અને મારા વિચારો અલગ છે. ગાંધી અને ગોડસે સાથે ન ચાલી શકે.

બીજુ કારણ જણાવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ગઠબંધનમાં નીતિશ કુમારના સ્થાનને લઈને છે. નીતિશ કુમાર પહેલા પણ ભાજપની સાથે હતા અને હજી પણ છે. પણ બંનેમાં ઘણો ફર્ક છે. નીતિશ કુમાર પહેલા બિહારની શાન હતા, બિહારના લોકોના નેતા હતા. અમે લોકો સશક્ત નેતા ઈચ્છીએ છીએ, જે સમગ્ર ભારત અને બિહાર માટે પોતાની વાત કહેવા માટે કોઈના અનુયાયી ન બને. ભાજપની સાથે તેઓ આજે જે રીતે છે તેમાં જમીન-આસમાનનો ફરક છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, કેટલાક લોકોનું માનવુ છે કે, રાજકારણમાં થોડા ઘણા સમાધાન કરવા પડે. બિહારના વિકાસ માટે સમાધાન કરવું પડે તો ચલાવી લેવાઈ. મૂળ વાત તો બિહારના વિકાસની જ છે ને. પણ તમારે જોવુ પડશે કે શું આ ગઠબંધન સાથે રહીને બિહારનો વિકાસ થઈ રહ્યો છે? શું જેટલો બિહારના લોકો ઈચ્છતા હતા એટલો વિકાસ થયો છે? શું બિહારને વિશેષ રાજ્યનો દરરજો મળી ગયો? પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવા માટે નીતિશ કુમારે હાથ જોડીને કહ્યું હતું પણ એના અંગે વિચારવાને બદલે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કોઈ જવાબ પણ નથી આપ્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]