નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષિતો માટે નવુ ડેથ વોરંટ ઈશ્યૂ કરવા અંગેની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે સુનાવણી મોકુફ રાખી છે. હવે આવતીકાલે એટલે કે, ગુરૂવારના રોજ આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં દોષિત પવન ગુપ્તાએ કહ્યું કે, મારી પાસે કોઈ વકીલ નથી. ત્યારબાદ કોર્ટે તેને કાયદાકીય મદદની રજૂઆત કરી.
આ અંગે નિર્ભયાના માતા આશા દેવીએ કોર્ટમાં કહ્યું કે, મારી દિકરીના ન્યાય માટે હું ઘણા વર્ષોથી અદાલત ધક્કા ખાઈ રહી છું. મહેરબાની કરીને આ કેસમાં હવે ડેથ વોરંટ ઈશ્યુ કરવામાં આવે. હું પણ એક માણસ છું. સાત વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. હું તમારી સામે હાથ જોડું છું. આમ કહી આશા દેવી કોર્ટમાં રડી પડ્યા હતા. કોર્ટમાંથી બહાર નિકળ્યા બાદ નિર્ભયાની માત મીડિયા સામે વાત કરતી વખતે પણ રડી પડ્યા હતા.
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ કેસની સુનાવણી ગુરૂવારે હાથ ધરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે, આ કેસમાં નિર્ભયાની માતા અને દિલ્હી સરકારે ચારેય દોષિતો માટે નવા ડેથ વોરંટ ઈશ્યુ કરવાની અરજી કરી હતી.
નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાનું નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ અંગે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ટ્રાયલ કોર્ટે જ ચારેય દોષિતોની ફાંસી પર અલગ અલગ આદેશ સુધી અટકાવી છે. દોષિત વિનય શર્મા, મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી, પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે આને અનિશ્વિતકાળ માટે ટાળી દેવાઈ હતી. બીજી બાજુ દોષિત વિનય શર્માએ દયા અરજી ફગાવવા માટે રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેને પોતાને માનસિક રોગી ગણાવી ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની માંગ કરી છે.