આસામઃ એનઆરસીની વેબસાઈટ પરથી ડેટા જ ગૂમ!!

ગુવાહાટી : નેશનલ રજીસ્ટર ફૉર સિટિઝનશિપ (NRC)નો અંતિમ ડેટા ઑફિશિયલ વેબસાઇટ પરથી ગાયબ થઈ ગયો છે. આઈટી કંપની વિપ્રો સાથે કૉન્ટ્રાક્ટ પૂરો થયા બાદ આ ડેટા ઑફલાઇન થઈ ગયો છે. વિપક્ષ કૉંગ્રેસે અંતિમ ડેટા ઑફલાઇન થવા મામલે સરકારે ઇરાદાપૂર્વક આવું કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.

ઓગસ્ટ 31, 2019માં અંતિમ યાદી પ્રસિદ્ધ થયા બાદ એનઆરસીમાં સમાવેશ કરાયેલા લોકો અને તેમાંથી બાકાત રખાયેલા લોકોની અંતિમ યાદી www.nrcassam.nic.in વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જોકે, છેલ્લા થોડા દિવસથી ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભય ફેલાયો છે, ખાસ કરીને એ લોકોમાં ચિંતા પેઠી છે જેમનો સમાવેશ આ યાદીમાં નથી થયો. આ લોકોને હજી રિજેક્શન સિર્ટિફેક્ટ ઇશ્યૂ થયા નથી.

ગૃહ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, એનઆરસીનો ડેટા સુરક્ષિત છે. કેટલીક ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે સમસ્યા ઉત્પન્ન થઇ. જો કે જેને હવે સુધારવામાં આવી રહી છે.

આ મામલે NRC સ્ટેટ કોર્ડિનેટર હિતેશ દેવ શર્માએ જણાવ્યું હતું કે, ડેટાને ઑફલાઇન કરવામાં આવ્યો છે. જોકે, તેમણે બદઇરાદાથી આવું કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને નકારી દીધા હતા. શર્માએ જણાવ્યું હતું કે, “વિપ્રો તરફથી જંગી ડેટા માટે ક્લાઉડ સર્વિસ પૂરી પાડવામાં આવી હતી. વિપ્રો સાથેનો કોન્ટ્રાક્ટ ગત 19 ઓક્ટોબર સુધી જ હતો. આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી. આથી આ ડેટા 15મી ડિસેમ્બરથી ઑફલાઇન થઈ ગયો છે.”

સાથે જ કોર્ડિનેટરે એવી પણ માહિતી આપી હતી કે રાજ્યની કોર્ડિનેટ સમિતિએ 30મી જાન્યુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં આ મામલે ચર્ચા કરી હતી અને આ મામલે વિપ્રોને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં પત્ર લખ્યો છે. વિપ્રો ડેટાને લાઇવ કરશે ત્યાર બાદ લોકો પણ તેને જોઈ શકશે. અમને આશા છે કે લોકો આગામી બે કે ત્રણ દિવસમાં ડેટાને ફરીથી જોઈ શકશે.ગૃહ મંત્રાલયે બુધવારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે એનઆરસીનો ડેટા સુરક્ષિત છે, હાલ ક્લાઉડ સાથે કોઈ ટેક્નિકલ સમસ્યા છે. આ ખામીને બહુ ઝડપથી દૂર કરવામાં આવશે.

નોંધનીય છે કે એનઆરસીની અંતિમ યાદીમાંથી 19,06,657 લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. કુલ 3,30,27,661 અરજીઓમાંથી આ યાદીમાં 3,11,21,004 લોકોનો સમાવેશ કરાયો છે.