નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા માટે હવાતિયાં મારતા દોષિતો

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે દોષિતો ફાંસીથી બચવા માટે સતત નવા તરકટો કરી રહ્યા છે. ચારેય દોષિતો પૈકી એક અક્ષય ઠાકુર પાસે ફાંસીથી બચવા માટેના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ચૂક્યા છે, આમ છતા પણ તેણે આજે ફરીથી દયા અરજી દાખલ કરી છે. આ અરજીમાં અક્ષયે કહ્યું છે કે, ગત વખતે દયા અરજી પર સુનાવણી દરમિયાન કેસના દરેક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ અક્ષયની દયા અરજી પર સોમવારે સુનાવણી કરશે.

ફાંસીની તારીખ ટાળવાની માંગ વાળી દોષિત અક્ષયની અરજી પર તિહાડ જેલ મેનેજમેન્ટને નોટિસ મોકલવામાં આવી છે. કોર્ટે આ મામલે સોમવારે સવારે 10 વાગ્યે સુનાવણી કરવા માટે કહ્યું છે. દોષિતે રાષ્ટ્રપતિ પાસે સંપૂર્ણ દયા અરજી દાખલ કરવાના આધાર પર આ માંગ કરી છે.

અક્ષય ઠાકુરના વકીલ એ.પી.સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઉતાવળમાં અધુરી અરજી દાખલ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે, ગત વખતની અરજીમાં દોષિત અક્ષયના હસ્તાક્ષર, શપથપત્ર, આર્થિક સ્થિતિ, ક્રિમિનલ રેકોર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો નહોતા એટેચ કરવામાં આવ્યા. ન્યાયહિતમાં અક્ષય ઠાકુરની દયા અરજી પર બીજીવાર સુનાવણી કરવામાં આવે.

અરજીમાં અક્ષયે કહ્યું છે કે, તેની ફાંસીથી તેની પત્ની અને તેનું નાબાલિક બાળક પણ પ્રભાવિત થશે. તેના પરિવારને સામાજીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આમાં તેની પત્નીની કોઈ ભૂલ નથી.