ભારતમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં હતા પાક. રાજદૂત, NIAએ ગણાવ્યા વોન્ટેડ

નવી દિલ્હી- રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ (NIA) પાકિસ્તાની રાજદૂત અમીર ઝુબૈર સિદ્દીકીને ભારતમાં હુમલાનું ષડયંત્ર રચવાનો દોષી ગણાવ્યો છે. રિપોર્ટ મુજબ કોલંબોના પાકિસ્તાની દૂતાવાસમાં વીઝા સલાહકાર રહેવા દરમિયાન વર્ષ 2014માં અમીર ઝુબૈર સિદ્દીકીએ દક્ષિણ ભારત ઉપરાંત અમેરિકા અને ઈઝરાયલના વાણિજ્ય દૂતાવાસ પર 26/11 જેવા હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. NIAના જણાવ્યા મુજબ આ ષડયંત્રમાં પાકિસ્તાન દૂતાવાસના ત્રણ અન્ય અધિકારી પણ સંડોવાયેલા હતા.હવે NIAએ સંબંધિત પાકિસ્તાની રાજદૂતો સામે ઈન્ટરપોલ પર રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હુમલાનું ષડયંત્ર સામે આવ્યા બાદ શ્રીલંકાના દૂતાવાસમાંથી પાકિસ્તાની રાજદૂતોને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. ગત ફેબ્રુઆરીમાં જ્યારે NIA દ્વારા અમીર ઝુબૈર સિદ્દીકીને દોષી જાહેર કરવામાં આવ્યો ત્યારે અન્ય ત્રણ આરોપીઓની ઓળખ કરવામાં આવી નહતી. જોકે બાદમાં સિદ્દીકી સાથે વોન્ટેડ અન્ય બે અધિકારીઓની લિંક પાકિસ્તાની જાસુસી સંસ્થા સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતે પાકિસ્તાની રાજદૂતનો વોન્ટેડની યાદીમાં સમાવેશ કર્યો છે.