નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને એક NGO દ્વારા દાખલ કરેલા માનહાનિ કેસમાં 22 મેએ નોટિસ જારી કરી છે, એમાં દાવો કરવામાં આવ્યો હતો કે એની ડોક્યુમેન્ટરીમાં ભારત, કોર્ટ અને વડા પ્રધાન મોદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે એની ડોક્યુમેન્ટરી ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન ભારતની પ્રતિષ્ઠા પર ધબ્બો લાગ્યો છે અને ખોટા અને માનહાનિનો આરોપ લગાવે છે. જસ્ટિસ સચિન દત્તાએ BBC સિવાય BBC (ભારત)ને પણ નોટિસ પાઠવી છે અને એને ગુજરાતના NGO જસ્ટિસ ફોર ટ્રાયલ દ્વારા દાખલ કેસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. NGO દ્વારા હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે ડોક્યુમેન્ટરીમાં વડા પ્રધાન પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. આ અરજીકર્તાએ રૂ. 10,000 કરોડનું વળતર માગ્યું છે. BBCએ એપિસોડ જાન્યુઆરી, 2023માં પ્રકાશિત કર્યા હતા.
અરજીકર્તાએ NGOની તરફેણમાં અને પ્રતિવાદીઓની વિરુદ્ધ રૂ. 10,000 કરોડના વળતરની માગ કરી છે. અરજીકર્તાનું કહેવું છે કે દેશના વડા પ્રદાન, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની શાખ અને સદભાવનાને હાનિને કારણે ગુજરાતના લોકોની અને ભારતીયોની શાખને હાનિ પહોંચી છે.
આ પહેલાં ત્રીજી મેએ દિલ્હીની એક જિલ્લા કોર્ટે પણ ભાજપના નેતા બિનયકુમાર સિંહ તરફથી દાખલ કરવામાં વેલા માનહાનિ કેસમાં BBCને નોટિસ જારી કરી હતી. ભાજપના નેતાએ અરજીમાં કહ્યું હતું કે ભારતમાં આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. એટલે આ ત્રણ કંપનીઓને એને પ્રકાશિત કરવાથી અટકાવવી જોઈએ.