નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને દેશમાં રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે જે ક્ષેત્રોને સૌથી વધારે માઠી અસર પડી છે એમને માટે બીજું આર્થિક રાહત પેકેજ આપવાની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલા માટે જ એમના પ્રધાનમંડળના સાથીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. આ પ્રધાનોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને ગૃહ પ્રધાન અમિત શાહનો સમાવેશ થાય છે.
બેઠકોમાં આર્થિક બાબતોના મંત્રાલયોના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકો છેલ્લા અમુક દિવસોથી ચાલી રહી છે. લોકડાઉનને કારણે કયા ક્ષેત્રો પર કેવી માઠી અસર થઈ છે એ વિશે વડા પ્રધાન માહિતી મેળવી રહ્યા છે અને આ ક્ષેત્રોને રાહત આપવા તેમજ એમને સજીવન કરવા માટે કેવા પગલાં લઈ શકાય અને કેવી વ્યૂહરચના ઘડી શકાય એની ચર્ચા કરી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરી સાથે પણ બેઠક કરી હતી. એમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડા પ્રધાનના મુખ્ય સચિવે પણ હાજરી આપી હતી.
ગયા માર્ચ મહિનાના અંત ભાગમાં સરકારે રૂ. 1.7 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. એમાં ગરીબ લોકોને મફતમાં અનાજ અને રાંધણ ગેસ તેમજ ગરીબ મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોને રોકડ નાણાં આપવામાં આવ્યા હતા.
હવે બીજા આર્થિક પેકેજમાં સરકાર દેશની કોર્પોરેટ કંપનીઓને રાહત આપે એવી ધારણા છે.
સરકારે લોકડાઉનને 4 મેથી ફરી બે સપ્તાહ માટે લંબાવ્યું છે, પણ દેશને ત્રણ ઝોનમાં વહેંચી દીધો છે – રેડ, ઓરેન્જ અને ગ્રીન. સરકાર અનેક રીતે આર્થિક પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની ધીમે ધીમે પરવાનગી આપી રહી છે.
જુદા જુદા ધંધાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ જે લોકડાઉનને કારણે ઠપ થઈ ગયા છે એ ફરી નોર્મલ થાય એ માટે એમને કોઈક આર્થિક રાહત પેકેજ આપવા સરકાર વિચારે છે. એ માટે સરકાર અનેક સુધારાવાદી પહેલ કરીને મૂડીરોકાણનું વાતાવરણ વેગ આપવા વિચારે છે.
કેન્દ્ર સરકારે ગઈ 24 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે. એને કારણે વિમાન સેવા, ટ્રેન સેવા, બસ સેવા, ટેક્સી સેવા બંધ છે. પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે.