કોરોના યોદ્ધાઓનું આકાશમાંથી સમ્માન; ભારતીય સેનાએ આપી હવાઈ સલામી

નવી દિલ્હી/મુંબઈઃ પોતાનો જાન જોખમમાં મૂકીને કોરોના વાઈરસની જીવલેણ બીમારીથી દર્દીઓને બચાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને આજે ભારતીય સેનાની ત્રણેય પાંખે અનોખી રીતે સલામી આપી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, મુંબઈ, પણજી (ગોવા) સહિત અનેક શહેરોમાં હોસ્પિટલો પર હવાઈદળ, નૌકાદળ અને ભૂમિદળના હેલિકોપ્ટરોમાંથી ગુલાબના ફૂલોની પાંખડીઓની પુષ્પવર્ષા કરવામાં આવી હતી તો સશસ્ત્ર દળોના વિમાનોએ આકાશમાં ફ્લાય-પાસ્ટ કર્યું હતું.

દિલ્હીમાં પોલીસ વોર સ્મારક પર હવાઈદળના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

મુંબઈમાં, હવાઈદળના સુખોઈ (SU-30) વિમાનોએ મરીન ડ્રાઈવ વિસ્તાર પરના આકાશમાં ફ્લાય-પાસ્ટ કર્યું હતું અને કોરોના રોગ સામે લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ તથા અન્ય તમામ કોરોના-યોદ્ધાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગોવાના પાટનગર પણજીમાં, ગોવા મેડિકલ કોલેજ પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

મુંબઈમાં, મહાનગરપાલિકા સંચાલિત J.J. હોસ્પિટલ ઉપર પણ હવાઈદળના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

 

નવી દિલ્હીના રાજપથ ઉપરના આકાશમાં હવાઈદળના વિમાનોએ ફ્લાય-પાસ્ટ કર્યું હતું.