નવી દિલ્હીઃ ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થે કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને વિવાદિત ક્ષેત્ર દર્શાવવાનું ષડયંત્ર રચ્યું હતું, એમ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો. તેમની ચીન સમર્થિત પ્રચાર કરવા માટે અને ફંડ મેળવવા બદલના આરોપમાં આતંકવાદવિરોધી કાયદા હેઠળ કેસ નોંધી ધરપકડ કરવામાં આવી છે. પુરકાયસ્થ અને પોર્ટલના માનવ સંસાધન (HR) પ્રમુખ અમિત ચક્રવર્તીને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.
પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીથી માલૂમ પડે છે કે પુરકાયસ્થ, નેવિલ રોય સિંઘમ અને સિંઘમની માલિકીની શાંઘાઇ સ્થિત કંપનીના કેટલાક અન્ય ચીની કર્મચારીઓ એકમેકને ઇમેલ મોકલે છે, જે કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો નહીં દેખાડવાના ઇરાદાને ઉજાગર કરે છે. દિલ્હી પોલીસની આતંકવાદી વિરોધી ટીમે રિમાન્ડની માગ કરતા એ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપી વ્યક્તિઓએ વિદેશથી ફન્ડિંગની મદદથી ભારતમાં જરૂરી ચીજવસ્તુઓના સપ્લાય અને સર્વિસિસમાં વિક્ષેપ કરવા અને ખેડૂત આંદોલનને લાંબું ખેંચવાની યોજના હતી.
સ્પેશિયલ સેલે રિમાન્ડ કોપીમાં કહ્યું હતું કે કોરોના રોગચાળાને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બદનામ કરવા માટે એક ફેક સ્ટોરીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
પોલીસ અરજી જણાવ્યા મુજબ ભારતવિરોધ પ્રોપેગેન્ડા ચલાવવા માટે આરોપીએ વિદેશી ફંડની આડમાં રૂ. 115 કરોડથી વધુ પ્રાપ્ત કર્યા હતા.
પોલીસે કહ્યું હતું કે FIRમાં ઉલ્લેખ કરવામાં આવેલા સંદિગ્ધો પર દિલ્હીમાં 88 સ્થળોએ અને અન્ય રાજ્યોમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ માટે 15 દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા છે. પોલીસે પોર્ટલની ઓફિસને સીલ કરી છે અને જરૂરી ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો ટાંચમાં લીધાં છે.