નાગરિકતા સુધારા ખરડાથી ચર્ચામાં આવેલો આ નેહરુ-લિયાકત કરાર શું છે?

નવી દિલ્હી: નાગરિકતા બિલની સંસદમાં ચર્ચા દરમ્યાન નેહરુ-લિયાકત કરાર પણ ચર્ચાનો વિષય બન્યું છે. આ સમજૂતીને દિલ્હી કરારના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્યારે આવો, આ કરારની ખાસ વાતો શું છે એ પણ જાણી લઇએઃ

નેહરુ-લિયાકત કરાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલી છ દિવસની વાતચીત પછી 8 એપ્રિલ 1950ના રોજ દિલ્હી સમજૂતી થઇ હતી. નેહરુ-લિયાકત સમજૂતીના નામથી ચર્ચિત આ કરાર હકીકતમાં બંન્ને દેશોના અલ્પસંખ્યકોના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે હતો. આ ઉપરાંત આ કરારનો સૌથી મોટો ઉદ્દેશ હતો કે બન્ને દેશો વચ્ચે યુદ્ધને ટાળવુ.

ભાગલા અને તોફાનો

1947માં ભારતનું વિભાજન ઈતિહાસના સૌથી દુખદ અને રક્તરંજિત અધ્યાયોમાંથી એક છે. બંન્ને તરફ મોટાપાયે તોફાનો ફાટી નિકળ્યા જેમાં લાખો લોકો મોતાને ભેટ્યા, હજારો મહિલાઓ સાથે બળાત્કાર થયા, નાબાલિગ છોકરીઓના અપહરણ કરીને તેમને જોર જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. મોટાપાયે ખૂનખરાબાથી બંન્ને દેશોમાં રહેતા અલ્પસંખ્યક સમુદાય અસુરક્ષિત થઈ ગયા.  ડિસેમ્બર 1949માં બંન્ને દેશો વચ્ચે વ્યાપારીક સંબંધો પણ ખતમ થઈ ગયા.  પોતાનો જીવ બચાવવા માટે બંન્ને દેશોના અલ્પસંખ્યકો પોતાનો ઘરબાર છોડીને જતા રહ્યા. પાકિસ્તાનમાંથી હિન્દુ અને શીખ ભારતમાં આવ્યા તો ભારતમાંથી મુસ્લિમ પાકિસ્તાન જતા રહ્યા. ભારત આવતા અને પાકિસ્તાન જતા એ હિન્દુ-મુસ્લિમોની સંખ્યા અંદાજે 10 લાખ જેટલી હતી. જે લોકો પોતોનો દેશ છોડીને ન ગયા તેમને શંકાની નજરથી જોવામાં આવ્યા.

ભયના માહોલ વચ્ચે આ સમસ્યાના સમાધાન માટે બંન્ને દેશઓના તત્કાલિન પ્રધાનમંત્રી એટલે કે ભારત તરફથી જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાન તરફથી લિયાકત અલી ખાન વચ્ચે 2 એપ્રિલ 1950ના રોજ વાતચીત થઈ, અને બંન્નેએ બંન્ને દેશોમાં રહેતા અલ્પસંખ્યકોના અધિકારોની સુરક્ષા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ અલ્પસંખ્યકોમાં ધાર્મિકતાને લઈને ભય ઓછો કરવો, સાપ્રદાયિક તોફાનોને સમાપ્ત કરવા અને શાંતિનો માહોલ સ્થાપિત કરવાનો હતો.

કરારની મુખ્ય વાતો

  • બંન્ને દેશોની સરકારો પોત-પોતાના અલ્પસંખ્યકોને નાગરિકતા અને જીવનની સુરક્ષા તેમજ તેમની સંપત્તિના સમાન અધિકારનો સુનિશ્ચિત કરશે.
  • મૂળભૂત માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી. આ મૂળભૂત અધિકારોમાં ગમે ત્યાં પ્રવાસ કરવાની આઝાદી, વિચાર અને અભિવ્યક્તિની આઝાદી અને ધર્મની આઝાદી સામેલ હતી.
  • અલ્પસંખ્યકોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે એક અલ્પસંખ્યક આયોગની રચના કરવી.
  • જો અલ્પસંખ્યકોને કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ તો તેનું તાત્કાલિક સમાધાન કરવાની જવાબદારી બંન્ને દેશોની સરકારની રહેશે.