નવી દિલ્હીઃ રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે છે અને આ રક્ષાબંધનના દિવસે અલ્પસંખ્યક સમાજની વચ્ચે ભાજપના કાર્યક્રમ જોવા મળશે. વડા પ્રધાન મોદી હાલના દિવસોમાં NDAના સાંસદોની સાથે અલગ-અલગ ગ્રુપોમાં બેઠકો કરી રહ્યા છે. વડા પ્રધાને એક બેઠકમાં કહ્યું હતું કે તેમની સરકાર તત્કાળ ત્રણ તલાક પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો, જેથી મુસ્લિમ મહિલાઓ સુરક્ષિત અનુભવ કરી શકે. તેમણે ભાજપ અને NDAના નેતાઓને મુસ્લિમ મહિલાઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઊજવવા માટે નિર્દેશ આપ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના NDAના 338 સાંસદોની સાથે બેઠકમાં વડા પ્રધાને NDAના સાંસદોને આ નિર્દેશ આપ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. હવે NDA ગઠબંધન વિસ્તૃત થઈને 38 પાર્ટી સુધી વિસ્તર્યું છે.
વડા પ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓએ સમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ પર વિચારકવિમર્શ કર્યો હતો. આ મીટિંગમાં ભાગ લેનારા કેટલાક સાંસદોએ જણાવ્યું હતું કે વડા પ્રધાને સમાજના દરેક વર્ગથી ખુદને જોડવાની વાત પર ભાર આપ્યો હતો.
ભાજપ પસમાંદા (પછાત) મુસલમાનોને પક્ષ સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યો છે. આ બેઠકો દ્વારા ભાજપની વ્યૂહરચના લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં NDAના ઘટક દળોની સાથે સંબંધોને મજબૂત કરવાનો છે. હાલમાં પસમાંદા મુસલમાનોને જોડવા માટે ભાજપે અનેક મોટા નિર્ણય લીધા છે. હમણાં પાર્ટીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ તારિક મન્સૂરને પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ પણ બનાવ્યા હતા. વર્ષ 2019માં સંસદમાં મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલું મહત્ત્વનું બિલ પાસ થયું હતું. જે હેઠળ ત્રણ તલાકની પ્રથાને ગેરકાયદે ઠેરવતાં ગુનો જાહેર કરવામાં આવ્યો હતો.