પવારની PM મોદી સાથેની મુલાકાત પર NCPની સ્પષ્ટતા

મુંબઈઃ NCPપ્રમુખ શરદ પવાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે એક બેઠક થઈ હતી. PM આવાસ પર થયેલી બેઠક આશરે 50 મિનિટ ચાલી હતી. એ મુલાકાત પછી રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. જોકે આ અટકળોને વિરામ દેતાં NCPએ કહ્યું હતું કે એની માહિતી કોંગ્રેસ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પહેલેથી હતી. મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે સંઘનો રાષ્ટ્રવાદ અને NCPનો રાષ્ટ્રવાદ અલગ છે. બંને નદીના બે કિનારા છે, જે ક્યારેય મળી નથી શકતા.

તેમણે જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેટરી કાયદો બદલવાથી સહકારી ક્ષેત્રને નુકસાન થશે, એવું શરદ પવારનું માનવું છે. એ સંદર્ભે પહેલાં વડા પ્રધાન સાથે તેમની ફોન પર વાત થઈ હતી. એ સંદર્ભમાં દિલ્હીમાં તેમણે મુલાકાત કરી હતી. આ સિવાય કોરોનાની રસીની અછત પર ચર્ચા થઈ. દેવેન્દ્ર ફડનવીસ અને શરદ પવારની દિલ્હીમાં કોઈ પણ પ્રકારની મુલાકાત થઈ હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શરદ પવારની વડા પ્રધાન સાથે જે મુલાકાત થઈ હતી, એમાં સહકારી ક્ષેત્રે જે મુશ્કેલીઓ છે, એ માટે પહેલાંથી મીટિંગ નક્કી હતી.

કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.ના કોઈ એજન્સી કાયદાથી મોટી છે. શરદ પવારને EDની નોટિસ આપવામાં આવી હતી, પણ પછી એને પરત લેવામાં આવી હતી. કોઈ એજન્સીની કાર્યવાહીની સામે વડા પ્રધાનથી મુલાકાતનો વિષય ન હોઈ શકે.