સરકારે ત્રીજી લહેર માટે ચેતવ્યાઃ 100-125 દિવસ નાજુક

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની ત્રીજી લહેરની દસ્તકની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોનાની વિરુદ્ધ જંગમાં આગામી 100-125 દિવસ નાજુક છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી. કે. પોલે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોગચાળાની ત્રીજી લહેરને અટકાવવાનું લક્ષ્ય આપ્યું છે અને એ સંભવ છે. તેમણે કહ્યું હતું કે વિશ્વ કોરોનાની ત્રીજી લહેર તરફ વધુ રહ્યું છે અને અહીં વડા પ્રધાને એનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું હતું કે એ એક ચેતવણી છે કે કોઈ પણ વસ્તુને હલકામાં ન લઈ શકાય.

નીતિ આયોગના સભ્યએ કહ્યું હતું કે સ્પેનમાં સપ્તાહમાં કોરોના વાઇરસ કેસોની સંખ્યામાં 64 ટકા વધારો થયો છે, જ્યારે નેધરલેન્ડમાં 300 ટકા વધારો જોવા મળ્યો હતો. પોલે કહ્યું હતું કે ઇન્ડોનેશિયા, બંગલાદેશ અને થાઇલેન્ડમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આફ્રિકામાં કોરોનાના કેસોમાં 50 ટકા વદારો થયો છે. જેથી આગામી 100-125 દિવસ મહત્ત્વના છે.

સરકારે ડિસેમ્બર સુધી 94 કરોડ વયસ્કોની વસતિને રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે, પણ જો 94 કરોડ વસતિમાંથી 70-80 ટકાને પણ રસી લગાવવામાં સફળતા મળી જશે તો કોરોનાના મોટા જોખમને અટકાવી શકશે. જેથી આગામી ચાર-પાંચ મહિને બહુ મહત્ત્વના છે. કોરોનાના જોખમને લઈને વડા પ્રધાન મોદી પણ ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાને લઈને બિલકુલ લાપરવાહી નથી વર્તવાની.