નવી દિલ્હીઃ દિલ્હીમાં NCBએ 82 કિલો કોકેન જપ્ત કર્યું છે. આ દરોડા દરમ્યાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ કોકેનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 900 કરોડ છે. આ કોકેન એક કોરિયર ઓફિસથી જપ્ત કરવામાં આવ્યું હતું, જેનાથી દિલ્હીથી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યું હતું.
ગૃહપ્રધાન અમિત શાહે આ મોટી સફળતા માટે NCBને અભિનંદન આપ્યાં હતાં. NCBએ દિલ્હીમાં 82.53 કિલોગ્રામ હાઇગ્રેડ કોકેન જપ્ત કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે એ દિલ્હીના એક કુરુયર સેન્ટરથી જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એ સાથે ભારતીય નેવી, ગુજરાત ATS અને NCBએ ગુજરાત તટે શુક્રવારે 700 કિલો મેથામફેટામિન જપ્ત કર્યું હતું. આ મામલામાં પોલીસે આઠ ઇરાની નાગરિકોની ધરપકડ કરી હતી.
નેવીએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળે NCB અને ગુજરાત પોલીસ સાથેના સંકલિત ઓપરેશનમાં એક શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતાં અંદાજે 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ વર્ષે નૌકા દળ દ્વારા દરિયામાં આ બીજી મોટી સફળ સંકલિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન છે. NCBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ ગુપ્ત માહિતીના આધારે ‘સાગર મંથન-4’ કોડનેમ નામનું ઓપરેશન શરૂ કર્યું હતું અને ભારતીય સીમામાં ડ્રગ્સ લઈને આવેલા બિન-રજિસ્ટર્ડ જહાજને અટકાવ્યું હતું.
NCBએ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંકલનમાં આવી દરિયાઈ કામગીરીની શ્રેણી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 3400 કિલો વિવિધ માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. NCBના નિવેદન અનુસાર 11 ઈરાની નાગરિકો અને 14 પાકિસ્તાનીઓને ત્રણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તમામ જેલમાં બંધ છે.
