સિધુ પંજાબ-કોર્ટમાં શરણે થયા, અદાલતી-કસ્ટડીમાં પૂરી દેવાયા

પટિયાલાઃ પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધુ 1988માં પટિયાલા શહેરમાં રોડ પર થયેલી મારામારીની એક ઘટનાના કેસમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટ દ્વારા અપરાધી ઠરાવાયા બાદ આજે અહીંની સેશન્સ કોર્ટને શરણે થયા છે. સત્તાવાળાઓએ એમને અદાલતી કસ્ટડીમાં પૂર્યા છે. સુપ્રીમ કોર્ટે સિધુને એક વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. 1988ની 27 ડિસેમ્બરે પટિયાલા શહેરમાં શેરાંવાલા ગેટ ક્રોસિંગ નજીકના રસ્તા પર મારામારીની બનેલી તે ઘટનામાં 65 વર્ષના ગુરનામસિંહ નામના નાગરિકનું મૃત્યુ થયું હતું.

જિલ્લા કોર્ટને શરણે થવા માટે સિધુ એમના નિવાસસ્થાનેથી નીકળ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓ એમની સાથે હતા. કોર્ટ સિધુના ઘરની નજીકમાં જ આવેલી છે. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે અપૂરતી સજા આપીને અપરાધી સિધુ પ્રત્યે બિનજરૂરી સહાનુભૂતિ દર્શાવવાથી ન્યાય પ્રણાલીને જ વધારે નુકસાન થશે અને કાયદાની અસરકારકતામાં જનતાનો ભરોસો ઘટી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]