નવી દિલ્હીઃ કોરોના વાઈરસ ચેપી રોગનો ફેલાવો રોકવા માટે ભારતમાં લોકડાઉનને 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ જાહેરાત આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા કરવામાં આવી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવા લોકડાઉન માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડી દીધી છે. તે અનુસાર, કયા વિસ્તારને રેડ ઝોન, ગ્રીન કે ઓરેન્જ ઝોન ગણવા એનો નિર્ણય લેવાની સત્તા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. જોકે એ માટે તેમણે કેન્દ્રીય આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને ગૃહ મંત્રાલય દ્વારા શેર કરાયેલા માપદંડોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાનો રહેશે.
NDMA દ્વારા એક ઓર્ડરમાં જણાવાયું છે કે કોવિડ-19નો ફેલાવો રોકવા માટે દેશમાં વધુ 14 દિવસો માટે લોકડાઉન નિયમોનો અમલ કરવાની જરૂર છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, ભારતમાં રવિવાર સવાર સુધીમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 90,927 હતી જ્યારે મરણાંક 2,872 હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 6 (2) (i) અંતર્ગત પોતાની સત્તાનો ઉપયોગ કરીને NDMA એજન્સીએ ભારત સરકાર, રાજ્ય સરકારોના મંત્રાલયો અને વિભાગોને તથા રાજ્યોના સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ લોકડાઉન નિયમોનું પાલન કરવાનું 31 મે સુધી ચાલુ રાખે. NDMAના સભ્ય સચિવ જી.વી.વી. શર્માએ આમ જણાવ્યું છે.
આ સત્તાધિશ એજન્સીએ વધુમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નેશનલ એક્ઝિક્યૂટિવ કમિટીને એવો આદેશ આપ્યો છે કે કોવિડ-19નો ફેલાવો રોકવાની સાથોસાથ આર્થિક પ્રવૃત્તિઓને ખોલવાની જરૂર લાગે તો એ લોકડાઉનને લગતી માર્ગદર્શિકાઓમાં સુધારા કરે.
દેશવ્યાપી લોકડાઉનની પહેલી જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે રાષ્ટ્રજોગા ટીવી સંબોધનમાં કરી હતી. એ પહેલું લોકડાઉન 25 માર્ચથી શરૂ થયું હતું અને તે 21 દિવસનું હતું. એને બાદમાં 3 મે સુધી અને ત્યારબાદ 17 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.
આ છે, લોકડાઉન-4ની માર્ગદર્શિકાઃ શુું ખુલ્લું, શું બંધ?
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવા લોકડાઉન માટે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે.
- કેન્દ્ર સરકારે જોકે રાજ્ય સરકારોને નિર્ણયો લેવામાં કેટલીક છૂટછાટ આપી છે. જેમ કે, બે રાજ્ય સરકાર પરસ્પસ સહમતિથી સિટી બસો અને ખાનગી વાહનો ચલાવી શકશે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં આવી છૂટછાટ નહીં આપી શકાય.
- લોકડાઉન-4માં પણ શોપિંગ મોલ્સ, રેસ્ટોરન્ટ્સ અને જિમ્નેશિયમો બંધ રહેશે.
- રેસ્ટોરન્ટ્સને માત્ર ખાદ્યપદાર્થોની હોમ ડિલિવરી કરવા માટે જ કિચન ચાલુ રાખવાની પરવાનગી રહેશે
- કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની જ પરવાનગી રહેશે
- સ્પોર્ટ્સ સંકુલો અને સ્ટેડિયમો ખોલી શકાશે, પણ દર્શકો માટે પરવાનગી નહીં હોય
- તબીબી વ્યવસાયિકો, આરોગ્ય કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને આંતર-રાજ્ય તથા રાજ્યની અંદર અવરજવર કરવાની પરવાનગી રહેશે.
- ખાલી ટ્રક સહિત તમામ પ્રકારના માલસામાન અને કાર્ગો માટે પરવાનગી
- લગ્ન સંબંધિત સમારંભોની પરવાનગી છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ પાળવો પડશે અને વધુમાં વધુ 50 મહેમાનો માટે પરવાનગી રહેશે.
- અંતિમ સંસ્કાર માટે 20 લોકો જઈ શકશે.
- કઈ દુકાન ખોલવી અને કઈ ન ખોલવી તે વિસેનો નિર્ણય સંબંધિત રાજ્ય સરકાર લઈ શકશે
- રિક્ષા અને ટેક્સી શરતોને આધીન ચલાવી શકાશે
- હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર પર પ્રતિબંધનો નવી માર્ગદર્શિકામાં કોઈ ઉલ્લેખ કરાયો નથી, તેથી આ નિર્ણય રાજ્ય સરકારો પણ છોડાયો હોઈ શકે.
આ બધું બંધ રહેશેઃ
- ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા સ્થગિત રહેશે. માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા તથા મેડિકલ હેતુ માટે જેમને પરવાનગી આપી હશે એ જ વિમાનો ઉડાડી શકાશે.
- લોકડાઉન-3ની જેમ જ રેલવે સેવા (ઉપનગરીય ટ્રેન સેવા સહિત) સસ્પેન્ડ જ રહેશે.
- મેટ્રો ટ્રેન સેવા હજી પણ સસ્પેન્ડ જ રહેશે
- શાળા-કોલેજો બંધ જ રહેશે
- સિનેમા હોલ, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થિયેટર, બીયર બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ તથા એના જેવા અન્ય સ્થળો બંધ રહેશે.
- સામાજિક, રાજકીય, ધાર્મિક, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા અન્ય સભા-કાર્યક્રમો માટે પરવાનગી નથી. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળો બંધ જ રહેશે.
- આવશ્યક સેવાઓને લગતી પ્રવૃત્તિઓને બાદ કરતાં તમામ પ્રકારની અવરજવર પર સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી સમયનું નિયંત્રણ રહેશે.
- જાહેર સ્થળોએ શરાબ પીવાની, પાન-ગુટકા-તમાકુ ખાવાની પરવાનગી નથી.
- ફરસાણની દુકાનો બંધ જ રહેશે