‘આરોગ્ય સેતુ’ એપના નિયમો સરળ બનાવાયા; હવે ફરજિયાત નથી

નવી દિલ્હીઃ લોકડાઉનના ચોથા તબક્કાના દિશા-નિર્દેશોમાં સરકારે ‘આરોગ્ય સેતુ’ એપ વિશેના નિયમોને સરળ બનાવ્યા છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની અનિવાર્યતાને ખતમ કરીને એને વૈકલ્પિક બનાવી દીધી છે. આરોગ્ય સેતુ એપને કોરોના વાઇરસ ચેપના ફેલાવા પર દેખરેખ રાખવા માટે વિકસિત કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે ગઈ કાલે જાહેર કરેલા નવા દિશા-નિર્દેશોમાં સરકારે એપના લાભો પર વિશેષ ભાર આપ્યો છે. સરકારે કહ્યું છે કે આ એપ કોરોના વાઇરસના સંભવિત જોખમને પહેલેથી માલૂમ કરવામાં મદદ કરે છે. આ વ્યક્તિઓ અને સમાજના સુરક્ષા કવચની જેમ છે.

નવા દિશા-નિર્દેશો મુજબ ઓફિસો અને કાર્યસ્થળોએ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એમ્પ્લોયર (કંપનીઓ)ને બધા કર્મચારીઓના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. આ પહેલાં સરકારે આ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.

રવિવારે જારી કરવામાં આવેલા દિશા-નિર્દેશો મુજબ જિલ્લા વહીવટી તંત્રની પાસે એ અધિકાર હશે કે એ કોઈ પણ વ્યક્તિને એપ ડાઉનલોડ કરવા માટે પરામર્શ આપી શકે છે. એની સાથે નિયમિત રૂપે એના આરોગ્યની સંભાળ રાખી શકશે.

સરકારે આ એપના લાભાલાભ પર જણાવ્યા

લોકડાઉન 4.0માં રવિવારે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સરકારે આ એપના લાભાલાભ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કહ્યું છે કે એપ આ વાઇરના ચેપના સંભવિત જોખમને વહેલા ઓળખી લે છે અને વ્યક્તિઓ અને સમુદાયને અલગ રાખવા તરીકે કાર્ય કરે છે.

કંપનીમાલિકો કે સંસ્થાઓએ ઓફિસો અને કાર્યસ્થળોએ કર્મચારીઓની સલામતી માટે એ ખાતરી કરવી જોઈએ કે તમામ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે કે નહીં.

સરકારે નવી માર્ગદર્શિકામાં એપ ફરજિયાત ડાઉનલોડની શરત કાઢી

આ પહેલાં સરકારે પહેલી મેની ગાઇડલાઇન્સમાં કહ્યું હતું કે ખાનગી અને સરકારી –બંને એકમોના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે અને એ માટે જેતે કંપનીના વડા જવાબદાર રહેશે કે આ એપ તમામ કર્મચારીઓએ ડાઉનલોડ કરી છે કે નહીં, કેમ કે આ એપ 100 ટકા કર્મચારીઓની સુરક્ષા કવચ હેતુસર બનાવવામાં આવી છે. જોકે સરકારે નવી માર્ગદર્શિકામાં એપ ફરજિયાત ડાઉનલોડની શરત કાઢી નાખી છે.

જોખમ સામે આ એપથી સમયસર લોકોને મેડિકલ મદદ

જોકે રવિવારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકામાં સરકારે એમ કહ્યું છે કે જિલ્લા અધિકારીઓ જેતે વ્યક્તિઓને તેમના મોબાઇલમાં આ એપ ડાઉનલોડ કરવા માટે સલાહ આપી શકે છે અને તેમના આરોગ્યની સ્થિતિ અંગે નિયમિતપણે અપડેટ રહી શકે છે, કેમ કે કોરોના જોખમ સામે આ એપથી સમયસર લોકોને મેડિકલ મદદ મળી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]