ઔરંગાબાદ, ઉસ્માનાબાદ શહેરોના નામાંતરને કેન્દ્રની મંજૂરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામ બદલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ શહેરનું નવું નામ છે ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદનું નવું નામ છે ‘ધારાશિવ’.

ઔરંગાબાદ નામ ક્રૂર મુગલ બાદશાહ ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું હતું જ્યારે ઉસ્માનાબાદનું નામ 20મી સદીના હૈદરાબાદના રજવાડાના આખરી શાસક મીર ઉસ્માન અલી ખાનના નામ પરથી પાડવામાં આવ્યું હતું. છત્રપતિ સંભાજી મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર હતા. તેઓ એમના પિતાએ સ્થાપેલા મરાઠા રાજ્યના દ્વિતીય શાસક હતા. 1689માં ઔરંગઝેબના આદેશને પગલે સંભાજી મહારાજની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

ધારાશિવ ઉસ્માનાબાદ શહેર નજીક ગૂફાઓના એક સંકુલનું નામ છે. આ ગૂફાઓ છેક 8મી સદી જેટલી પુરાણી છે.

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામ બદલવાની હિન્દુવાદી સંગઠનો ઘણા સમયથી માગણી કરી રહ્યાં છે.

નામાંતરનો નિર્ણય મૂળ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસની સંયુક્ત (મહાવિકાસ આઘાડી) સરકારે લીધો હતો, પરંતુ એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ ગયા વર્ષના જૂન મહિનામાં મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હતું. એની જગ્યાએ શિંદે જૂથ અને ભાજપે સાથે મળીને સરકાર બનાવી છે.