‘-તો તાજમહલ, લાલ કિલ્લો તોડી પાડો’: નસીરુદ્દીન શાહ

મુંબઈઃ જાણીતા અભિનેતા અને જાહેરમાં બેધડક અભિપ્રાય વ્યક્ત કરવા માટે પ્રખ્યાત થયેલા નસીરુદ્દીન શાહે એક વેબસીરિઝમાં મુગલ સમ્રાટ અકબરની ભૂમિકા ભજવી રહ્યા છે. એ નિમિત્તે એમણે એક અખબારને આપેલી મુલાકાતમાં મુગલોના સંદર્ભમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. એમણે કહ્યું કે મુગલ શાસકોને જબરદસ્તીથી ખલનાયક તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. મુગલોના સારા કામોની અવગણના કરીને તેઓ માત્ર આક્રમક હતા એવું જ બતાવવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે.

નસીરુદ્દીને તૈમૂર અને અકબર વચ્ચેનો ફરક સ્પષ્ટ કર્યો હતો. એમણે કહ્યું, ક્યારેક ક્યારેક મને હસવું આવે છે. અકબર અને ખૂની આક્રમક નાદિર શાહ કે તૈમૂર વચ્ચેનો ફરક લોકોને ખબર નથી. નાદિર શાહ અને તૈમૂર અહીંયા લૂંટમાર કરવા આવ્યા હતા એ સાચું છે. પણ મુગલો લૂંટવા નહોતા આવ્યા. તેઓ અહીંયા રહેવા આવ્યા હતા. એમના યોગદાનને કોઈ કેવી રીતે નકારી શકે?

પોતાની પરંપરા ભૂલીને મુગલોએ ઉદારીકરણ કર્યું હતું એવું કેટલાક લોકો કહે છે એમાં અમુક તથ્ય છે. તેથી એમને ખલનાયક ઠેરવવાની જરૂર નથી. જે લાલ કિલ્લાને આપણે પવિત્ર માનીએ છીએ તે મુગલોએ બંધાવ્યો હતો. તે છતાં જો એમણે જે કંઈ કર્યું તે ખરાબ અને ભયાનક હતું તો તાજમહલ, લાલ કિલ્લા અને કુતુબ મિનારને તોડી પાડો, એમ નસીરુદ્દીને વધુમાં કહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]