હરિયાણામાં ફરી એક વાર નાયબ સિંહ સૈનીની સરકાર

નવી દિલ્હીઃ હરિયાણામાં નાયબ સિંહ સૈની ફરીથી CMપદના શપથ લેશે. તેમની વિધાનસભ્ય દળના નેતાની પસંદગી થઈ છે. ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં પંચકુલા સ્થિત પાર્ટી ઓફિસમાં પાર્ટીની બેઠક મળી હતી. આ બેઠકમાં CM મોહન યાદવ પણ વિધાનસભ્ય દળની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં નાયબ સિંહ સૈનીને ફરીથી વિધાનસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (17 ઓક્ટોબર) હરિયાણામાં યોજાશે.

નાયબ સિંહ સૈનીના CM બનવા પર પાર્ટીના નેતાઓ અનિલ વિજ અને રાવ ઈન્દ્રજિત સિંહની નારાજગીની અટકળો વચ્ચે અમિત શાહે પોતે કમાન સંભાળી હતી અને નિરીક્ષક અમિત શાહ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે એકતાનો સંદેશ આપ્યો હતો.હરિયાણાના પૂર્વ ગૃહ મંત્રી અનિલ વિજ અને કૃષ્ણ બેદીએ આગામી CM માટે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

હરિયાણાના વિધાયક દળના નેતા તરીકે નાયબ સિંહ સૈની ચૂંટાયા બાદ હવે સરકાર બનાવવાનો દાવો રાજભવનમાં રજૂ કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા શરૂ થશે. નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે  હરિયાણાના લોકોએ PM મોદીની નીતિઓને મંજૂરી આપી છે. CM સૈનીએ કહ્યું હતું કે તેઓ આજે જ રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. હરિયાણાના લોકોએ વચન આપ્યું છે કે તેઓ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પને આગળ વધારવા માટે કામ કરશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ 48 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી અને સરકાર બનાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. INLDને બે અને અપક્ષોને ત્રણ બેઠકો મળી હતી. સાવિત્રી જિંદાલ સહિત ત્રણેય અપક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે.