ચીનમાં ફસાયેલા ભારતીય ખલાસીઓ 14-જાન્યુઆરીએ પાછા ફરશે

નવી દિલ્હીઃ કેન્દ્રના બંદર, શિપિંગ અને વોટરવેઝ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ એક સોશિયલ મિડિયા પોસ્ટમાં જાહેરાત કરી છે કે ચીનના દરિયાકાંઠા નજીક ગયા વર્ષના જૂન મહિનાથી ફસાઈ ગયેલા ભારતીય ખલાસીઓનું એક જૂથ આવતી 14 જાન્યુઆરીએ સ્વદેશ પાછું ફરશે. એમ.વી. જગ આનંદ ઉપરાંત એનેસ્ટેશિયા નામના એક અન્ય જહાજના ખલાસીઓ પણ ચીનના સમુદ્ર કાંઠા નજીક અટવાઈ ગયા છે. તે જહાજમાં પણ અમુક ભારતીય ખલાસીઓ છે. આ ખલાસીઓ બંને જહાજમાં ઓસ્ટ્રેલિયામાંથી કોલસો ભરીને છ મહિના પહેલાં ચીન પહોંચ્યા હતા, પરંતુ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા તથા અન્ય કારણોસર આ જહાજોમાંથી કોલસો ઉતારવાનો ચીનના સત્તાવાળાઓએ ઈનકાર કરી દીધો હતો. પરિણામે જહાજોના ખલાસીઓ અટવાઈ ગયા છે.

માંડવિયાએ કહ્યું છે કે બેમાંના એક જહાજ – એમ.વી. જગ આનંદના 23 ભારતીય ખલાસીઓ જાપાનના ચીબા તરફ પ્રયાણ કરશે. ત્યાંથી તેઓ 14 જાન્યુઆરીએ ભારત પહોંચશે. વિદેશ મંત્રાલય આ સંબંધમાં ચીનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.