મુંબઈના ગોરેગાંવમાં રહેણાંક મકાનમાં ભયાનક આગ લાગતાં 7નાં મરણ, 39 જખ્મી

મુંબઈઃ અહીંના ગોરેગાંવ ઉપનગરના પશ્ચિમ ભાગમાં આવેલા મહાત્મા ગાંધી રોડ પરના જય ભવાની બિલ્ડિંગમાં ગઈ વહેલી સવારે ભયાનક આગ લાગતાં સાત જણનાં જાન ગુમાયા છે અને બીજાં 39 જણ જખ્મી થયા છે. એમાંના કેટલાકની હાલત ગંભીર છે.

આ પાંચ-માળના મકાનમાં વહેલી સવારે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ વિભાગે આગને લેવલ-2 કેટેગરીની ઘોષિત કરી હતી. આગના દ્રશ્યો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ મકાનની દુકાનો, ભંગારના સામાન, પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો, મીટર કેબિન, કચરાના ઢગલા, પ્લાયવૂડ તથા અન્ય મટીરિયલમાં લાગી હતી. અગ્નિશામક દળના જવાનો સવારે 6.54 વાગ્યે આગને કાબૂમાં લાવવામાં સફળ થયા હતા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.