મુંબઈઃ દેશનું સૌથી વધારે વ્યસ્ત રહેતું એરપોર્ટ છે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ આજે સમારકામને કારણે બંધ રહેવાનું છે. ચોમાસાની મોસમ પૂરી થયા બાદ આ એરપોર્ટના બંને રનવેનું સમારકામ કરવામાં આવે છે. આજે આ કામ હાથ ધરાવાનું હોવાથી છ કલાક માટે એરપોર્ટ બંધ રખાશે. આ દરમિયાન એકેય ફ્લાઈટ અહીંથી રવાના થશે નહીં કે લેન્ડ કરાશે નહીં. એરપોર્ટના સત્તાવાર X પેજ CSMIA પર જાણકારી આપવામાં આવી છે કે આજે સમારકામ સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી હાથ ધરાશે અને આ છ કલાક દરમિયાન એરપોર્ટ પરની વિમાનસેવા સ્થગિત રહેશે.
એરપોર્ટ તરફથી આ સમારકામ વિશેની જાણકારી મહિનાઓ પૂર્વે જ તમામ એરલાઈન્સને આપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ચોમાસાની ઋતુમાં વરસાદ ખૂબ પડતો હોય છે. એને કારણે એરપોર્ટના બંને રનવેને નુકસાન પહોંચતું હોય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ જાળવવા માટે રનવેનું ચોમાસા બાદ મરમ્મત કરવાનું એરપોર્ટ માટે આવશ્યક છે.