રામ મંદિર મામલે નવો વળાંકઃ ફરીથી મધ્યસ્થતાની માગણી

નવી દિલ્હી:  અયોધ્યા રામમંદિર વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે નવો વળાંક  આવ્યો છે. હકીકતમાં આ સમગ્ર મામલે ફરી એક વખત મધ્યસ્થતાની માગ કરવામાં આવી છે. આ માગ સુન્ની વકફ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ મામલે બોર્ડે મધ્યસ્થતા પેનલના ત્રણેય સભ્યોને પત્ર પણ લખ્યો છે. આ માગને લઈને આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી શકે છે.

થોડા દિવસો અગાઉ જ મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને ધમકી મળી હોવાની જાણકારી આપી હતી. સુનાવણી થતાની સાથે જ વરિષ્ઠ વકીલ ધવને કહ્યું હતું કે આ કેસમાં વકીલ હોવાના કારણે મને ફેસબુક પર ધમકીઓ મળી રહી છે આ ઉપરાંત તેમના ક્લાર્ક સાથે પણ કોર્ટમાં મારઝુડ કરાઈ છે. આ અંગે પાંચ સભ્યોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, આ ઘટનાની નિંદા કરવી જોઈએ આ પ્રકારના કૃત્ય ન થવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ મધ્યસ્થતા દ્વારા ઉકેલ લાવવા સમીતી બનાવી હતી. તેણે 155 દિવસ સુધી પ્રયાસો કર્યા હતા, પણ કોઈ ઉકેલ નીકળ્યો નહોતો. સમીતીએ તેનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો, અને ખુલાસો થયો હતો કે હિંદુ અને મુસ્લીમ પક્ષકારો આ વિવાદનું સમાધાન કાઢવામાં અસફળ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થ માટે જે સમીતી રચી હતી તેમાં ત્રણ લોકો સામેલ હતા. એમાં સુપ્રીમ કોર્ટના જજ એફ.એમ.કલીફુલ્લા, સીનીયર વકીલ શ્રીરામ પંચૂ અને શ્રીશ્રી રવિશંકર સામેલ હતા.

એ પછી સુપ્રીમ કોર્ટે આ કેસની દૈનિક સુનાવણી શરુ કરી હતી. અત્યારે હિંદુ પક્ષની દલીલો પુરી થઈ ચૂકી છે, અને મુસ્લીમ પક્ષ તેની દલીલો રજુ કરી રહ્યો છે. પાંચ જજોની બંધારણીય પીઠ આ મામલાની સુનાવણી કરી રહી છે. બેંચમાં જસ્ટીસ એસ.એ.બોબડે, ડી.વાય.ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નર્ઝર પણ સામેલ છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ તેના અધ્યક્ષ છે.