રેડી થઈ જાવ વેડિંગ અને ફેસ્ટિવ સ્ટાઇલ ડિવા બનવા માટે..!

વે તહેવારો ઢૂંકડા છે અને દીવાળી બાદ તો લગ્ન સિઝન પણ જામશે. તે પહેલાં નવરાત્રિ માટે તથા તહેવારો માટે તમે તમારું વોર્ડરોબ અપડેટ કરી શકો છો. જ્યારે પારંપરિક રીતે તૈયાર થવાની લગ્ન સિઝન જામી રહી છે ત્યારે યુવતીઓ ચણિયાચોળી અને  ભારે સાડીઓ પસંદ કરે છે. હાલમાં તો વિવિધ બ્લાઉઝ ડિઝાઇનર રીતે તૈયાર કરાવડાવી શકાય છે. દરેક સ્ત્રીઓ માટે સાડી તો જોરદાર અને પરંપરાગત વિકલ્પ છે જ. તમે આ વખતે એક જ પ્રકારની સાડીની ડિઝાઇનથી કંટાળી ગયાં છો, સલવાર કમીઝ પણ તમારી આંખોને પસંદ નથી આવતાં તો પછી સાડી સાથે જ કંઇક નવું ટ્રાય કરો ને, અને એ પણ બજેટમાં.

તમે તમારા વોર્ડરોબની મનગમતી સાડી સાથે મસ્તમજાનો અફલાતૂન પેર્ટન અને ડિઝાઇન કરેલો બ્લાઉઝ પહેરશો તો તમારા વ્યક્તિત્વને ચાર ચાંદ લાગી જશે. સાડી , ચણિયાચોળી, ઇન્ડોવેર્સ્ટન બધુ ઇનડિમાન્ડ રહે છે અને સાડી હોય કે ચણિયાચોળી કે ઇન્ડોવેર્સ્ટન આ બધાંમાં બ્લાઉઝ અન તેની ડિઝાઇનનું મહત્વ અદકેરું છે.  સાદી સાડી પણ શરીરને અનુરૂપ બ્લાઉઝને કારણે શોભી ઉઠે છે.

વળી સ્ત્રીઓ પરફેક્ટ ફિંટિંગના બ્લાઉઝનો આગ્રહ રાખતી હોય છે ત્યારે એ જાણી લો કે તહેવાર અને લગનસરામાં કેવા પ્રકારના બ્લાઉઝની પસંદગી કરવી, કારણ કે ઘણીવાર દેખાદેખીમાં સ્ત્રીઓ ડિઝાઇનર બ્લાઉઝ પહેરે છે પરંતુ તેમાં ક્યારેક ક્ષોભનો ભોગ બનવું પડે છે. બ્લાઉઝ તૈયાર કરાવતી વખતે તમે નવી કઇ ફેશનને તથા તમને સારી લાગતી સ્ટાઇલને અનુસરી શકો છો તેની જાણકારી મેળવી લો અને તૈયાર કરી નાંખો તમારું ક્લાસી ફેસ્ટિવ ક્લેક્શન.

આ વખતે બ્લાઉઝમાં પફ સ્લિવની સાથે સાથે થ્રી-ફોર્થ સ્લીવનો ટ્રેન્ડ છે. યુવતીઓ તથા મહિલાઓને આ સ્ટાઇલનું ઘેલું લાગ્યું છે. આ ઉપરાંત કાંડા સુધીની સ્લીવ પણ હવે ચલણમાં છે. આ સ્લીવને કારણે જે સ્થૂળ યુવતીઓ છે તેની ચરબી પણ ઢંકાઈ જાય છે.

તમે દરેક પ્રકારની સાડી સાથેના બ્લાઉઝમાં જુદા જુદા પ્રયોગો કરી શકો છો. સ્લીવથી માંડીને વર્ક સુધી બ્લાઉઝ માટે ઘણું વૈવિધ્ય અપનાવી શકાય છે. લટકણવાળા બ્લાઉઝ આજકાલ ખૂબ પહેરાય છે. તમે પ્લેન શિફોન કે સિલ્ક સાડી સાથે હાથભરત ભરેલો બ્લાઉઝ પહેરશો તો એ તમને ચોક્કસપણે અન્ય કરતાં અલગ પાડશે.જો તમે પાતળા હો તો ખુલ્લાં ગળાના બ્લાઉઝ સારા લાગશે પરંતુ જે લોકો સ્થૂળ છે તેમણે વધારે ડીપ નેક ન કરાવવા જોઈએ.

જે યુવતીઓનું શરીર સપ્રમાણ છે તેઓ સ્પેગેટીથી માંડીને સ્લીવલેસ પહેરી શકે છે. પરંતુ જે યુવતીઓ સ્થૂળ છે તે બંધ ગળાના અને સ્ટેન્ડ પટ્ટીના બ્લાઉઝ વિશેષ રીતે તૈયાર કરાવી શકે છે. સ્થૂળ સ્ત્રીઓને ખભાના ભાગે ચરબી દેખાતી હોય છે તેથી પહોળા ગળાના બ્લાઉઝ પહેરવાને બદલે તેઓ વી ગળા સાથે પ્રયોગ કરી શકે છે.

વી ગળું જૂનીપુરાણી સ્ટાઇલનું લાગે તે સ્વાભાવિક છે એટલે તમે વી શેપ સાથે કોલરવાળો બ્લાઉઝ પહેરી શકો છો. આ પ્રકારનું ગળું પરંપરાગત ગુજરાતી સાડી તથા દક્ષિણી સાડી બંનેમાં શોભશે. આ ઉપરાંત હેવી બોડીમાં ઘરારામાં આવે છે તેઓ સ્ટાઇલિસ્ટ લાંબો બ્લાઉઝ પણ તૈયાર કરાવી શકો છો. આ પ્રકારનો બ્લાઉઝ સાડીને ઘરારા કે ચણિયાચોળીની ઇફેક્ટ આપશે.

આ ઉપરાંત પણ ઘણી બધી સ્ટાઇલ તમે અપનાવી શકો છો. જે અહીં આપેલા ફોટોઝમાં તમે જોઈ જ શકો છો. ડિઝાઇનર બ્લાઉઝમાં બ્રોકેટ તથા સાર્ટીનને મિક્સ કરી તમે પફ અને લોંગ સ્લિવનું કોમ્બિનેશન કરી શકો છો.

આ ઉપરાંત સપ્રમાણ શરીર હોય તો હોલ્ટરનેક પણ રાખી શકાય. આ ઉપરાંત કમખા જેવો પાછળથી ખુલ્લો અને કંચૂકીની ડિઝાઇન જેવો બ્લાઉઝ પણ તમે  કરાવી શકો છો. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું છે કે આ પ્રકારના બ્લાઉઝ તૈયાર કરાવડાવો ત્યારે તે પહેર્યાં બાદ તમારું વ્યક્તિત્વ નિખરી ઊઠવું જોઈએ.

બ્લાઉઝનું ફિટિંગ વ્યવસ્થિત નહીં હોય અથવા તો વધારે ખુલ્લો હશે અને તમારા ઉરોજ કે કમરની ચરબી દેખાતી હશે તો એ પહેર્યા બાદ તમારી ગરિમા નહીં જળવાય અને ફેશનના બદલે ફિયાસ્કો થશે. આમ ન થાય તે માટે પહેલેથી જ ધ્યાન રાખીને સ્ટાઇલિસ્ટ બ્લાઉઝ પૂરતી કાળજી સાથે તૈયાર કરાવવો.

બસ તો પછી રાહ શાની જુઓ છો?   તૈયારીમાં લાગી જાવ અને બનાવી લો પરંપરાગત અને સ્ટાઇલિસ્ટ અન્ય કરતાં જૂદું ક્લેક્શન અને રેડી થઈ જાવ વેડિંગ અને ફેસ્ટિવ સ્ટાઇલ ડિવા બનવા માટે..!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]