નવી દિલ્હીઃ ગઈ કાલે ખાનગી વેધશાળા સ્કાઈમેટે જણાવ્યા બાદ હવે ભારતીય હવામાન વિભાગે પણ કહ્યું છે કે આ વર્ષે કેરળ રાજ્ય મારફત ભારતીય સમુદ્રકાંઠા પર નૈઋત્યનું ચોમાસાનું આગમન થોડુંક લંબાવાની સંભાવના છે. વિભાગની આગાહી છે કે ચોમાસું 1ને બદલે 4 જૂને આગમન કરશે. આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે અને 94 ટકા જેટલો વરસાદ પડશે.
કેરળ રાજ્ય ભારતમાં નેઋત્ય તરફથી આવતા ચોમાસાના વરસાદના આગમન માટેનું પ્રવેશદ્વાર ગણાય છે. દર વર્ષે નૈઋત્યનું ચોમાસું કેરળમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. 30 કે 31 મેએ કેરળમાં બેસી ગયા બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને આખા દેશને આવરી લે છે. ગયા વર્ષે કેરળમાં ચોમાસું 29 મેએ બેસી ગયું હતું. તે વખતે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું 27 મેએ બેસશે. કેરળમાં ચોમાસાના આગમનની તારીખો વિશે ભારતીય સત્તાવાર વેધશાળાનું અનુમાન છેલ્લા 18 વર્ષથી સાચું પડતું રહ્યું છે. એકમાત્ર 2015માં તેની આગાહી ખોટી પડી હતી.