નવી દિલ્હી- મોદી સરકાર આજે બે મહત્વપૂર્ણ વટહુકમ પર નિર્ણય લઈ શકે છે. જેમાં પ્રથમ વડહુકમમાં પોસ્કો એક્ટમાં બદલાવ કરી શકે છે. તો બીજા વટહુકમથી SC/ST કાયદાને ફરીથી જૂના સ્વરુપમાં લાવવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, બન્ને એક્ટમાં બદલાવની માગ દલિત આંદોલન અને કઠુઆમાં થયેલી રેપની ઘટના બાદ ઉઠી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ આ અંગે તરત કેબિનેટની બેઠક બોલાવી શકે છે.મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર બન્ને વટહુકમ સાથે તૈયાર છે. પોસ્કો એક્ટમાં બદલાવ ઉપરાંત સરકાર SC/ST એક્ટમાં ફેરફાર સંબંધિત વટહુકમને પણ મંજૂરી આપી શકે છે. મહત્વનું છે કે, ઉન્નાવ અને કઠુઆમાં થયેલી રેપની ઘટના અને SC/ST એક્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકારને આલોચનાનો ભોગ બનવું પડ્યું છે. રેપની ઘટના બાદ વર્તમાન કાયદાને વધુ કડક બનાવવા માગ ઉઠી છે. બીજી તરફ મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ પણ આ માગણીને પોતાનો ટેકો આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રેપ વિરુદ્ધ દેશભરમાં તીવ્ર થઈ રહેલા આંદોલન બાદ સરકાર આ અંગે વટહુકમ લાવે તેમ લાગી રહ્યું છે. પ્રસ્તાવિત બદલાવ મુજબ હવે કોઈપણ સગીર સાથે રેપ કરે તો તેને ફાંસીની સજાની જોગવાઈ રાખવામાં આવશે. જેમાં સગીરની વ્યાખ્યા 12 વર્ષ અથવા તોનાથી ઓછી ઉંમરની કરવામાં આવી છે. જોકે આમાં શું બદલાવ કરવામાં આવ્યા છે તેની સત્તાવાર માહિતી કેબિનેટની બેઠક બાદ જ ખબર પડશે.