રાયબરેલીમાં અમિત શાહ: કોંગ્રેસને તેના જ ગઢમાં ઘેરવા BJPની તૈયારી

રાયબરેલી- આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને તેના જ ગઢમાં ઘેરવા રણનીતિ તૈયાર કરી છે. આ પહેલા બીજેપીએ ગત લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીને અમેઠીમાં ઘેરવા કવાયત કરી હતી. અને કોંગ્રેસને પોતાનો ગઢ બચાવવામાં પરસેવો છૂટી ગયો હતો. હવે આ વખતે પણ BJPએ સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક માટે રણનીતિ તૈયાર કરી છે. જેના અનુસંધાને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આજે રાયબરેલી પહોંચી રહ્યાં છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ એવું નિવેદન આપ્યું હતું કે, સપા, બસપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તો પીએમ મોદી વારાણસીમાંથી પણ ચૂંટણી હારી જશે. રાહુલ ગાંધી પર પલટવાર કરતાં BJPએ કહ્યું કે, રાહુલ ગાંધી પીએમ મોદીની ચિંતા કરવાનું રહેવા દેય અને અમેઠી-રાયબરેલીની ચિંતા કરે. અમિત શાહનો રાયબરેલીનો પ્રવાસ 2019ની લોકસભા ચૂંટણી માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

અમિત શાહનો રાયબરેલી પ્રવાસ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો પ્લાન તૈયાર કરવાના ભાગરુપે જોવામાં આવી રહ્યો છે. શાહના રાયબરેલી પ્રવાસ દરમિયાન કોંગ્રેસથી નારાજ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં BJPએ રાહુલ ગાંધીને અમેઠીમાં ઘેરવાની બનાવેલી રણનીતિ અંતર્ગત સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. સ્મૃતિ ઈરાની સામે જીતતા રાહુલ ગાંધીને પરસેવો છૂટી ગયો હતો. સ્થિતિ એ થઈ કે, રાહુલ ગાંધીને બચાવવા કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીનો સહારો લેવો પડ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી પરંપરાગત બેઠક ઉપર એક લાખ મતે જીત્યા હતા. જ્યારે પહેલા તેઓ ત્રણ લાખ કરતાં પણ વધુ મતોની સરસાઈ ધરાવતા હતા.