દેશમાં 34 વર્ષે શિક્ષણ નીતિમાં કરાયા મહત્ત્વના ફેરફારઃ જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે, એમ કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રમેશ પોખરિયાલે માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠકમાં 21મી સદીની નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ બહુ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે છેલ્લાં 34 વર્ષોમાં શિક્ષણ નીતિમાં કોઈ બદલાવ નથી થયો મને આશા છે કે દેશવાસીઓ એનું સ્વાગત કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઉચ્ચ શિક્ષણ માટે એક નિયામક

ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ માટે એક નિયામક હશે, એમાં મંજૂરી અને નાણા માટે અલગ-અલગ વર્ટિકલ હશે. એ નિયામક ઓનલાઇન સેલ્ફ ડિસ્કલોઝર બેઝ્ડ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ પર કામ કરશે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમમાં પહેલા વર્ષ પછી સર્ટિફિકેટ, બીજા વર્ષ પછી ડિપ્લોમા અને ત્રણ-ચાર વર્ષ પછી ડિગ્રી આપવામાં આવશે. ચાર વર્ષના ડિગ્રી કાર્યક્રમ પછી MA અને અને પછી M.phil કર્યા વગર PhD કરી શકાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે ત્રણ વર્ષથી 18 વર્ષનાં બાળકોનો શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 હેઠળ લાવવામાં આવશે. આગામી સમયમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1:30નો રહેશે. નવી શિક્ષણ નીતિમાં વાર્તા, રંગમંચ, સામૂહિક વાચન, વાચન, ચિત્રોના ડિસ્પ્લે, લેખન કુશળતા, ભાષા અને ગણિત પર ભાર હશે. આ નવા શિક્ષણ નીતિ હેઠળ દેશમાં શિક્ષણનો અર્થ બદલાઈ જશે. આમાં ના યુવાનો માટે શિક્ષણને લઈને નવી તકો મળશે, બલકે રોજગાર પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.

નવી શિક્ષણ નીતિમાં મોટા સ્તરે સલાહ લેવામાં આવી

નવી શિક્ષણ નીતિ માટે મોટા પાયે સલાહ લેવામાં આવી છે. અઢી લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક્સ, 676 જિલ્લાથી સલાહ લેવામાં આવી હતી.

એક કોર્સની વચ્ચે બીજા કોર્સની છૂટ  

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ કોઈ વિદ્યાર્થી એક કોર્સની અંદર વચમાં જો કોઈ બીજો કોર્સ કરવા ઇચ્છે તો પહેલા કોર્સથી સીમિત સમયમાં બ્રેક લઈને કરી શકે છે.

અમિક ખરેએ કહ્યું હતું કે અમે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે GDPના છ ટકા શિક્ષણ ક્ષેત્રે લગાવવામાં આવે, જે હાલ 4.43 ટકા છે. અમે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન લાવી રહ્યા છીએ એમાં માત્ર સાયન્સ જ નહીં બલકે સોશિયલ સાયન્સને પણ સામેલ થશે. આ મોટા પ્રોજેક્ટ્સનું ફાઇનાન્સિંગ કરશે. આ શિક્ષણની સાથે રિસર્ચમાં આપણને આગળ આવવામાં મદદ કરશે.

નવી શિક્ષણ નીતિ હેઠળ સરકાર યુવા એન્જિનિયરોને ઇન્ટર્નશિપને તક આપવાના ઉદ્દેશથી શહેરી સ્થાનિક એકમો માટે એક કાર્યક્રમ શરૂ કરવાની યોજના બની રહી છે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. ટોપ 100 યુનિવર્સિટી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. એની પણ યોજના તૈયાર થઈ રહી છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ ‘નિશંક’એ કહ્યું હતું કે અમારી જે શિક્ષણ નીતિ આવી રહી છે, એ અનેક બાબતોએ સમાધાન કરશે. શિક્ષણ નીતિમાં સરકાર ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. એની સાથે યુવાનો ઉચ્ચ શિક્ષણ લેવા માટે પહેલાં કરતાં ઘણું સરળ થઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]