નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં જાણકારી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી સહિત 38 જણ દેશ છોડીને ભાગી ગયા છે.
સંસદમાં ચોમાસું સત્રનો આજે પહેલો જ દિવસ હતો અને સીતારામને જાણકારી આપી કે 2015ની 1 જાન્યુઆરીથી લઈને 2019ની 31 જાન્યુઆરી સુધીમાં 38 જણ દેશ છોડીને ભાગી ગયા હતા. એમાં ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો સામે નાણાકીય ગેરરીતિઓનાં કેસો નોંધવામાં આવ્યા છે અને સીબીઆઈ એજન્સી દ્વારા એમની સામે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કંડેય કાટ્જુએ ગયા શુક્રવારે ભારતમાંથી લાઈવ વિડિયો લિન્ક મારફત હીરાના ભાગેડૂ ઉદ્યોગપતિ નીરવ મોદીના પ્રત્યાર્પણના કેસમાં નીરવ વતી જુબાની આપી હતી. આને ભારત સરકાર દ્વારા એક પડકાર તરીકે ગણવામાં આવે છે. કાટ્જુએ કહ્યું હતું કે નીરવ મોદીને ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સુનાવણીનો મોકો નહીં મળે.
કાટ્જુએ વિસ્તૃત જુબાની સંભળાવ્યા બાદ આ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.