નવી દિલ્હીઃ દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી પાંચ દિવસો સુધી લોકોને ઠંડીમાં રાહત મળવાની શક્યતા નથી. દિલ્હીમાં 26 જાન્યુઆરી પછી શીતલહેર ફૂંકાવાનાં એંધાણ છે. જેથી દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં પાંચ દિવસો સુધી તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી ઘટાડાની શક્યતા છે.
આગામી દિવસોમાં વરસાદ થવાની શક્યતા તો નહિવત્ છે, પણ ઠંડા પવનો ફૂંકાવાનું જારી રહેશે, એમ હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિએ કહ્યું હતું. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બીજી ફેબ્રુઆરી સુધી વરસાદની કોઈ સંભાવના નથી અને પશ્ચિમી ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધ્યું છે. જેથી 25 અને 26 જાન્યુઆરીની સવારે અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ ધુમ્મસ રહેશે. જોકે 28થી 30 જાન્યુઆરીની વચ્ચે તામિલનાડુ અને કેરળના કેટલાક હિસ્સાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સપાટ વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન સીકરમાં ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
દિલ્હીમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સને પૂરું થયા પછી હવે ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. આગામી બે દિવસ માટે યલો એલર્ટ જારી કરતાં શીતલહેર ફૂંકાવાની શક્યતા છે, એમ હવામાન વિબાગે કહ્યું હતું. હજી એક સપ્તાહ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા નથી.
વળી, ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેવાને કારણે આગામી ત્રણ દિવસોમાં ન્યૂનતમ તાપમાન છ ડિગ્રી ઘટવાની શક્યતા છે. જેથી સોમવારે આશરે 33 ટ્રેનો મોડી ચાલી રહી હતી અને 100 ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી.