નવી દિલ્હીઃ પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની હત્યા કર્યાની આફતાબ પૂનાવાલાએ કબૂલાત કરી છે. આમાં વીડિયો કોન્ફરન્સ મારફત એક મેજિસ્ટ્રેટ સમક્ષની કબૂલાત તથા પોલીગ્રાફ ટેસ્ટમાંની કબૂલાતનો પણ સમાવેશ થાય છે, પરંતુ કાયદા નિષ્ણાતોનું માનવું છે કે આ કબૂલાતને કોઈ કાનૂની માન્યતા નથી. પોલીસ તથા અન્ય સત્તાવાર વર્તુળોનું કહેવું છે કે પૂનાવાલાએ કબૂલ કર્યું છે કે એણે તેની સાથે રહેતી એની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરી હતી અને એનાં મૃતદેહના 35 ટૂકડા કરી બાદમાં એને દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી દીધા હતા. આફતાબે હત્યાની કબૂલાત કરી હોવાના અહેવાલોને એના વકીલે રદિયો આપ્યો છે.
અનેક કાનૂની નિષ્ણાતોએ વીડિયો કોન્ફરન્સ મારફત મેજિસ્ટ્રેટ સમક્ષ આફતાબની કબૂલાત સામે સવાલ ઉઠાવ્યો છે અને તેને વાંધાજનક અને અભૂતપૂર્વ ગણાવી છે.
દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત જજ આર.એસ. સોંઢીએ કહ્યું છે કે, આ તો આરોપીને રજૂ કરવાની વાંધાજનક પદ્ધતિ છે. વીડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર કરતી વખતે તમને કોઈ જાણકારી જ ન હોય કે આરોપી કેવા દબાણ હેઠળ હશે. એને મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રત્યક્ષ રીતે જ હાજર કરવાનો હોય.
નિષ્ણાતોનું કહેવું છે કે કાયદા અનુસાર, આરોપીનું કબૂલાતનામું સ્વીકૃત પુરાવો ગણાય છે. પોલીસ એના દ્વારા જ ગુનો ઉકેલી શકે છે. એ માટે આરોપીને કોઈ મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રત્યક્ષ રીતે હાજર કરાવીને જ એમનું કબૂલાતનામું મેળવવું પડે. વીડિયો કોન્ફરન્સ મારફત કે મીડિયા સમક્ષ હાજર કરાવીને મેળવાતા કબૂલાતનામાને કાનૂની માન્યતા આપી શકાય નહીં.