નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જેલમાં મોકલી દીધા હતા. CBIએ આજે મનીષ સિસોદિયાની કસ્ટડી નહોતી માગી. કોર્ટમાં CBIના વકીલોને કહ્યું હતું કે આ સમયે અમે વધુ CBI રિમાન્ડ નથી માગી રહ્યા, પણ આગામી 15 દિવસોમાં એની માગ કરી શકીએ છીએ. ત્યાર બાદ કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
સિસોદિયાને સોમવારે બપોરે દારૂ કૌભાંડથી જોડાયેલા મામલામાં સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ પહેલાં તેમને સાત દિવસ CBIની કસ્ટડીમાં હતા. ગયા સપ્તાહે તેઓ દારૂ કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા હતા.CBIએ કોર્ટમાં કહ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવી છે. વોરન્ટ લેવામાં આવ્યું છે. આરોપી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે અને કોર્ટને દરેક વાતની માહિતી આપવામાં આવી છે. બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે CBI ગેરકાયદે કામ કરી રહી છે. એના પર કોર્ટે કહ્યું હતું કે જો તતમને કંઈ ખોટું કર્યું હોવાનું લાગે તો તેઓ એને પડકારી શકે છે.
હવે શું થશે?
મનીષ સિસોદિયાની જામીનથી જોડાયેલા મામલે હવે શુક્રવારે સુનાવણી થશે. જામીનની અરજીમાં તેમણે કહ્યું હતું કે CBI તેમને એક જ સવાલ કરી રહી છે, જેને કારણે તેમને માનસિક તામનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાનના વકીલોનું કહેવું છે કે તેમને કસ્ટડીમાં રાખવાથી CBIનો ઉદ્દેશ પૂરો નહીં થાય.