WVM બંધ હોવાથી વાજબી કિંમતે પાણી માટે લોકોનાં વલખાં

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ગરમી વધી રહી છે. આવામાં લોકોની તરસ પણ વધી રહી છે, પણ મુંબઈનાં સ્ટેશનો પર વાજબી દરોએ તરસ છિપાવતાં મશીનો લાંબા સમયથી બંધ પડ્યાં છે. રેલવે વોટર વેન્ડિંગ મશીનો (WVM) દેશભરમાં જોરશોરથી શરૂ કર્યાં હતાં, પણ એ હાલ બંધ પડ્યાં છે. માત્ર રૂ. બેમાં લોકોને 300 ML શુદ્ધ પાણી મળી જતું હતું, પણ હાલ અનેક સ્ટેશનો પર એ મશીનો બંધ પડ્યાં છે, પણ એને દૂર કરવા માટે પણ રેલવે દ્વારા કોઈ પ્રયાસ નથી કરવામાં આવતા. આ મશીનો માટે મધ્ય રેલવે જૂન, 2022માં ટેન્ડર કાઢ્યાં હતાં, પરંતુ બહુ ઓછાં સ્ટેશનો માટે કોન્ટ્રેક્ટર્સ રસ દાખવ્યો હતો. 28 સ્ટેશનોમાંથી માત્ર નવ સ્ટેશનો પર WVM લગાવવા માટે રાજી થયા હતા.

મધ્ય રેલવેએ જૂન, 2022માં 28 સ્ટેશનો પર 41 WVM માટે ટેન્ડર કાઢ્યાં હતાં. એમાં સૌથી વધુ રસ લોકમાન્ય તિલક ટર્મિનસ, પનવેલ અને કલ્યાણ માટે દાખવ્યો હતો. એ બધાં ટર્મિનસ સ્ટેશન છે. આ સિવાય છ ઉપનગરનાં સ્ટેશનો છે, જ્યાં WVM કમિશન થયાં છે. ટર્મિનસ સ્ટેશનો પર યાત્રોની નોંધપાત્ર સંખ્યા હોય છે. જ્યાં કોન્ટ્રેક્ટરોને બિઝનેસ મળે છે.

મધ્ય રેલવેએ 41માંથી 27 સ્થળોએ પાંચ વાર ટેન્ડર કાઢ્યાં છે, પણ બે સ્થળોએ રિસ્પોન્સ મળ્યો છે. આ પ્રકારે પાંચ ટેન્ડર કાઢ્યાં છતાં 19 સ્ટેશનો માટે રેલવેએ અત્યાર સુધી કોઈ કોન્ટ્રેક્ટર નથી મળ્યા. રેલવેથી પહેલાં આ મશીનોને લગાવવાની જવાબદારી IRCTCની હતી. જે નિષ્ફળ ગયા પછી રેલવેએ પ્રયાસ શરૂ કર્યા છે.