નવી દિલ્હીઃ ઇન્ડિયા એલાયન્સમાં સીટ વહેંચણી મુદ્દે ખેંચતાણ છે. વંચિત બહુજન અઘાડી (VBA)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે મહાવિકાસ અઘાડી (MVA)ને આંચકો આપ્યો છે. તેમણે મહારાષ્ટ્રમાં MVA સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સીટ વહેંચણીને લઈને MVA અને VBAની પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બીજી બાજુ કિસાન નેતા રાજુ શેટ્ટીએ પણ નિર્દલીય રીતે ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે.
આ સિવાય UBTએ સાંગલી સીટ પર બુધવારે ઉમેદવાર જાહેર કરી દીધો છે, જેનાથી મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતૃત્વ નારાજ થઈ ગયું છે. રાજ્ય કોંગ્રેસ નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડને એ વિશે જાણ કરી છે અને સાંગલી સીટ પર મિત્રતાના મુકાબલે વિકલ્પ પણ સૂચવ્યો છે. રાજ્ય નેતૃત્વ હાઇકમાન્ડના આગામી આદેશની રાહ જોઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈમાં શિવસેના-UBTના છમાંથી પાંચ સીટ પર લડવા પર મુંબઈ કોંગ્રેસના નેતાઓ ખુશ નથી. આ સિવાય મુંબઈ નોર્થ વેસ્ટ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલની સીટ કોંગ્રેસના હાથથી જવા પર મુંબઈ કોંગ્રેસના નેતાઓમાં નારાજગી છે. આ પહેલાં શિવસેના (UBT)એ લોકસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની પહેલી લિસ્ટ જારી કરી છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમ જે જગ્યાથી ટિકિટ માગી રહ્યા હતા, શિવસેનાએ ત્યાંથી અમોલ કીર્તિકરને ટિકિટ આપી હતી. પ્રકાશ આંબેડકરે ગઈ કાલે MVAને અલ્ટિમેટમ આપ્યું હતું, કે તેઓ સીટ વહેંચણીને લઈને વલણ સ્પષ્ટ કરે, જે પછી તેમણે આજે વલણ સાફ કરી દીધું છે. ગઠબંધનમાં સામેલ નહીં થવાના એલાનની સાથે પ્રકાશ આંબેડકરે આઠ સીટો પર ઉમેદવારોનાં નામનું એલાન પણ કરી દીધું છે. તેઓ ખુદ અકોલાથી ચૂંટણી લડશે.
બીજી બાજુ, મુંબઈ નોર્થ-ઇસ્ટ સીટ શિવસેનાને મળવાથી NCP (શરદ પવાર) માં પણ નારાજગી છે. મુંબઈ અને પડોશી શહેરોમાં NCPને એક પણ સીટ નહીં મળવાથી પવાર જૂથ ખુશ નથી.