જીવ અને શિવના મિલનનું પર્વ એટલે મહા શિવરાત્રિ

શિવરાત્રિનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઊજવાય છે. શિવરાત્રિ એટલે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છે. તેને શંકરરાત્રિ કહેવાતી નથી. આમ તો શિવરાત્રિ દર મહિનાની વદ ચૌદસે (અમાસ પહેલાનો દિવસ) આવે છે. પણ લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે.

શિવરાત્રિ વ્રત ક્યારે કરાય?

જેને આ વ્રત કરવું હોય તેને ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તેને અનંત ફળ મળે છે.

આ સંબંધમાં ત્રણ પક્ષ છે –

  • ચૌદશની પ્રદોષવ્યાપિની – તેરસ ઉપર ચૌદસ બેસે તે રાત્રિ
  • નિશીથ (અર્ધરાત્રિ) વ્યાપિની – તેરસની મધ્ય રાત્રિ, રાત્રે ૧૨ વાગ્યા પછીનો સમય.
  • ઉભય વ્યાપિની – વૃદ્ધિ તિથિ : તેરસ તિથી સૂર્યોદય સમયે બેસતી હોય તો તે બીજા દિવસે (ચૌદસ) સૂર્યોદય સુધી અથવા થોડા વધુ સમયે રહે તેને ઉભયવ્યાપિની કહેવાય.

વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથ વ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથ વ્યાપિની હોય તે મુખ્ય / અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષ વ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથ વ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ

શિવરાત્રિ સાથે જોડાયેલ કથાઓ

સમુદ્રમંથન

એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.

શિકારી અને હરણાંની વાર્તા

શિવરાત્રિના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાર્તા પ્રચલિત છે. શિકારી હરણીનો શિકાર કરવા તત્પર બને છે ત્યારે હરણી કહે છે કે હું મારાં બાળકોને મળીને આવું તેટલી મને રજા આપ, પછી હું તારા શિકાર માટે હાજર થઈશ. શિકારી એ વાત માની ગયો. જંગલમાં રાત્રિનો સમય સલામતીથી વિતાવવા શિકારી બીલીના વૃક્ષ ઉપર ચઢી ગયો. રાત્રિ દરમિયાન તે પાંદડાં તોડીને નીચે ફેંકવા લાગ્યો. આ વૃક્ષ નીચે શિવલિંગ આવેલું હતું. બીજી તરફ, હરણીએ ઘેર જઈને શિકારી સાથેની વાતચીત કહી સંભળાવી. હરણી, હરણ અને હરણબાળ સૌ સમર્પણ માટે તૈયાર થયાં. તે સૌ વાયદા મુજબ શિકારી પાસે આવ્યાં. રાત્રિનો ઉપવાસ અને શિવલિંગ ઉપર બીલીપત્ર ફેંકતાં શિકારીના હૃદયમાં પરિવર્તન થયું હતું. તેવામાં મરવા તત્પર બનેલા હરણ પરિવારને જોતાં તેને આશ્ચર્ય થયું. તેનાથી તે પ્રસન્ન થયો. તેણે સાચાબોલાં હરણાંને જીવતદાન આપ્યું. એમ કહેવાય છે કે આ ઘટનાથી શિકારી અને હરણાં સ્વર્ગવાસી થયાં.

શિવરાત્રિ પુજા અને વ્રત કેવી રીતે કરાય?

શિવની પુજા શુદ્ધ પાણી કે ગંગાજળ, કાચું દૂધ (ગાયનું), મધ, દહી, શેરડીના રસથી કરવી. ચંદન અને કેસરથી શિવલિંગનું અનુલેપન કરવું. સાથે જ ધતૂરો, આમ્ર અને બિલિપત્ર ચઢાવવા. શિવની પૂજામાં ધતૂરો, કરેણ, બીલીપત્ર આદિ પુષ્પો ચઢાવવામાં આવે છે. શિવની ચાર પ્રહરની પુજા કરવામાં આવે છે. શિવરાત્રિના દિવસે જાગરણ કરવામાં આવે છે. જાગરણ તો માત્ર પ્રતીક છે. આ માત્ર એક રાત્રિનું સ્થૂળ જાગરણ નથી, પણ આ સંગમયુગમાં આત્માની જ્યોતિ જગાડવાનું, આત્માને જાગૃત કરવાનું સૂચન કરે છે.

મહાશિવરાત્રિના દિવસે હંમેશની તુલનામાં હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ માટે ‘ૐ નમ: શિવાય’ નામ જાપ વધારેમાં વધારે કરવો. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. પ્રાચીન સમયે ઋષિઓ કંદમૂળ ખાઈને ભોજનની આસક્તિ વિના ધ્યાન, ભક્તિ, પૂજા, પ્રાર્થના, તપસ્યા કરતા હતા. શિવરાત્રિમાં કંદમૂળનો ખૂબ ઉપયોગ થાય છે.

આ દિવસે ભાંગને શિવની પ્રસાદી રૂપે ગ્રહણ કરાય છે. આ વ્રત બાર, ચૌદ અથવા ચોવીસ વર્ષો સુધી થઈ શકે છે. પછી તેનું ઉદ્યાપન કરવું. વ્રતની સમાપ્તિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવીને વ્રતની સમાપ્તિ કરવી.

(ડૉ. જય નારાયણ વ્યાસ)