નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક શહેરની ઝાકીર હુસેન હોસ્પિટલની બહાર ઊભેલી એક ઓક્સિજન ટેન્કરમાંથી ઓક્સિજન વાયુનું ગળતર થતાં વેન્ટીલેટર પર રાખવામાં આવેલા ઓછામાં ઓછા 22 કોરોનાવાઈરસ દર્દીઓનાં કરૂણ મરણ નિપજ્યા હોવાના અહેવાલ છે. હોસ્પિટલ ખાતે ઊભી રાખેલી ટેન્કરના કોર્કમાં કોઈક ખામી ઊભી થતાં પ્રેશરમાં ઘટાડો સર્જાયો હતો તેથી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય લગભગ અડધા કલાક સુધી બંંધ થઈ જતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઓક્સિજન ન મળવાને કારણે મૃત્યુ પામ્યા. આ જાણકારી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી છે. આ હોસ્પિટલનું સંચાલન નાશિક મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
રાજેશ ટોપેએ વધુમાં કહ્યું કે સ્ટોરેજ ટેન્ક ખાતે થયેલા ઓક્સિજન લીકેજને જાનહાનિની ઘટના સાથે સંબંધ હોઈ શકે છે અને તેમાં તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં એ વખતે 158 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ દુર્ઘટના અંગે ઘેરું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
