આંદામાન-નિકોબારમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપઃ આ વર્ષમાં ત્રીજો મોટો આંચકો

નવી દિલ્હીઃ આંદામાન-નિકોબાર આઇલેન્ડમાં ગઈ કાલે રાત્રે 12.53 કલાકે 5.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો પોર્ટ બ્લેયરના દક્ષિણ-પૂર્વમાં 126 કિમી દૂર અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપનું કેન્દ્ર 69 કિમી ઊંડાઈમાં હતું. અત્યાર સુધી અહેવાલ છે કે કોઈ પણ જાનમાલનું નુકસાન નથી. જોકે મોડી રાતે આવેલા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છે. લોકોના ચહેરા પર ભૂકંપનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.  આ વર્ષે આ ત્રીજો મોટો આંચકો હતો.

બીજી બાજુ અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે 8.50 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) મુજબ અરુણાચલ પ્રદેસ પેંગેનના ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ચારની માપવામાં આવી હતી. આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ સૂચના નથી. આ પહેલાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં 22 જુલાઈ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ પહેલાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના આંદામાન સાગરમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા મુજબ ભૂકંપ 77 કિલોમીટરની ઊંડાઈએ હતો. આ સિવાય આ દ્વીપો પર આ વર્ષે માર્ચમાં નિકોબાર ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો હતો.