મુંબઈઃ ગુજરાતી સમાજના લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટક (૯૨)નાં આજે અહીં વિલે પારલે (વેસ્ટ) સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મધુરીબેનનાં જ્યેષ્ઠ પુત્ર અને ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટકે માતાનાં પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો હતો એ સાથે જ મધુબેનનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. અંતિમ સંસ્કાર વખતે મધુરીબેનનાં પુત્રો – મૌલિક કોટક અને બિપીન કોટક, પુત્રી રોનક ભરતભાઈ કાપડિયા, રાજુલબેન મૌલિક કોટક, રેખા બિપી કોટક, મનન મૌલિક કોટક (‘ચિત્રલેખા’ વાઈસ-ચેરમેન) તથા અન્ય પરિવારજનો, સગાંસંબંધીઓ તથા ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
મધુરીબેનનું ગુરુવાર, ૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મોડી સાંજે એમનાં જૂહૂ, વિલે પારલે (વેસ્ટ) સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. એમનાં પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે આજે સવારે ૮ થી ૯ વાગ્યા દરમિયાન એમનાં નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું. એમને અંતિમ વિદાય આપવા માટે ઉપસ્થિત રહેલાં મહાનુભાવોમાં ગુજરાતી ફિલ્મોનાં કલાકારો – દીપક ઘીવાળા, રાગિણી, ટીવી સિરિયલ નિર્માતા આસિત મોદી વગેરેનો સમાવેશ થાય છે.
મધુરીબેનનાં નિધનનાં સમાચાર જાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વિટરના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
“ચિત્રલેખા” પરિવારના મધુરીબેનના અવસાનથી દુઃખી છું. એમનું અવસાન વાચક જગત માટે મોટી ખોટ છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ !!
— Narendra Modi (@narendramodi) January 6, 2023
પ્રસિદ્ધ સાપ્તાહિક ચિત્રલેખાના સહસ્થાપક મધુરીબેન કોટકના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ગુજરાતી પત્રકારત્વ તેમજ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમનું પ્રદાન અમૂલ્ય છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ.— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2023