હરિયાણા હારતાં ઇન્ડિયા ગઠબંધને કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઇન્ડિયા એલાયન્સમાં મતભેદો સામે આવ્યા હતા. ઇન્ડિયા એલાયન્સના સાથી પક્ષોએ કોંગ્રેસ પર માછલાં ધોયાં છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની શિવસેના UBT, કેજરીવાલની આમ આદમી પાર્ટી અને મમતા બેનરજીની TMCએ કોંગ્રેસની તીખી આલોચના કરી છે. આ પાર્ટીઓએ કોંગ્રેસની હાર માટે અતિ આત્મવિશ્વાસ, અહંકાર,અને અધિકારવાદનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ગઠબંધનના અનેક સહયોગી પક્ષોએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

બીજી બાજુ, ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની આગેવાનીવાળી સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને આંચકો આપતાં પેટા ચૂંટણીમાં ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પાર્ટી 10 સીટોમાંથી છ પર ઉમદેવારોની જાહેરાત કરી છે, જેમાં એ બે સીટો પણ સામેલ છે, જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખવા માગતી હતી.

ઉદ્ધવ સેનાએ સામનામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી છે કે હરિયાણામાં કોંગ્રેસની હારથી શીખ લો, જે રાજ્યના નેતૃત્વના અતિ આત્મવિશ્વાસ અને અહંકારને કારણે થઈ છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ એ જ થયું છે. પાર્ટીની અંદર આંતરિક મુદ્દા હાવી રહ્યા હતા, જેથી બંને રાજ્યોમાં હાર થઈ હતી. કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં એટલે જીતી, કેમ કે પાર્ટીએ NCની સાથે ગઠબંધન કર્યું હતું.

TMCના સાંસદ સાકેત ગોખલેએ કહ્યું હતું કે અહંકાર, અધિકાર અને પ્રાદેશિક પક્ષોને નીચી નજરથી જોવાને કારણે વિનાશ થયો. તેમમે ટ્વીટ કર્યું છે કે આ વલણ ચૂંટણી હાર તરફ લઈ જાય છે.

આપના કેજરીવાલે પણ કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના પર સવાલ કરતાં કહ્યું હતું કે કોઈએ ક્યારેય અતિઆત્મવિશ્વાસમાં ના રાચવું જોઈએ.