નવી દિલ્હીઃ વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે. ત્યાર બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન બુદ્ધનું વચન છે કે – मनो पुब्बं-गमा धम्मा, मनोसेट्ठा मनोमया, यानि, धम्म मन से ही होता है, मन ही प्रधान है. આમ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હતાશા અને નિરાશાના સમયમાં ભગવન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક છે. દુનિયા મુશ્કેલભર્યા સમયમાંથી પસાર થઈ રહી છે અને આવા સમયમાં બુદ્ધના સંદેશથી પ્રેરણા લઇને ભારત દુનિયાની મદદ કરી રહ્યું છે.
કોરોના વોરિયર્સ એટલે કે હેલ્થકેર વર્કર્સ વિશે મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં કોરોના મહામારી સામે આ લોકો લડી રહ્યા છે, જેની હું પ્રશંસા કરું છું. તેઓ આ મુશ્કેલ સમયમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે, જે સરાહનીય છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત આજે કોઈ સ્વાર્થ વગર વિશ્વના દેશો સાથે ઊભો છે. આપણે આપણી સાથે-સાથે આપણા પરિવારની સુરક્ષા કરવી પડશે. આ સંકટના સમયે દરેકની મદદ કરવી જ બધાનો ધર્મ છે. આપણું કામ નિરંતર સેવા ભાવ હોવું જોઈએ. બીજા માટે કરુણા રાખવી જરૂરી છે. આજે વિશ્વમાં ઊથલપાથલ છે. ત્યારે બુદ્ધનો સંદેશ જરૂરી છે.
બુદ્ધ માત્ર એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર કહ્યું હતું કે બુદ્ધ કોઇ એક પરિસ્થિતિ સુધી સીમિત નથી. બુદ્ધ માત્ર એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર પણ છે, માનવતાનું માર્ગદર્શન કરે છે. બુદ્ધ ત્યાગ અને તપસ્યા છે. બુદ્ધ સેવાનો પર્યાય છે. બુદ્ધ એ છે જે જાતે તપીને, ખપીને પોતાને ન્યોછાવર કરીને આખી દુનિયામાં આનંદ ફેલાવા માટે આવે.
આપણે આપણી આજુબાજુ એવા અનેકો લોકોને જોઇ રહ્યા છીએ જે બીજાની સેવા માટે, કોઇ દર્દીની સારવાર માટે, કોઇ ગરીબને ભોજન કરવા માટે, કોઇ હોસ્પિટલમાં સફાઇ માટે, કોઇ રસ્તા પર કાયદા-વ્યવસ્થા બનાવી રાખવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. ભારતમાં ભારતની બહાર આવા દરેક વ્યક્તિ અભિનંદનના પાત્ર છે.
કોરોના સામેની લડાઈમાં દેશમાં ફ્રન્ટલાઇનર યોદ્ધાઓના મનોબળને ટકાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં ત્રણે સેનાઓએ એકસાથે કોરોના સામેના જંગમાં લડનારા4 યોદ્ધાઓને અનોખી રીતે સલામી આપી હતી. એરફોર્સના લડાકુ વિમાનોએ દેશમાં ચારે દિશાઓથી કોરોના હોસ્પિટલો પર ફૂલો વરસાવ્યાં હતાં.