વિવાદ મુદ્દે ચૂંટણી પંચઃ રમજાનમાં શુક્રવારે નહીં યોજવામાં આવે મતદાન

નવી દિલ્હી- રમજાન મહિના દરમિયાન મતદાન યોજવા મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચે તેમની પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે, રમજાનના આખા મહિના દરમિયાન ચૂંટણી ન યોજાય એ શક્ય નથી. ચૂંટણી પંચ તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલીક પાર્ટીઓ દ્વારા રમજાનમાં મતદાન યોજવાના નિર્ણયનો વિરોધ કરી રહી હતી.

ચૂંટણી પંચે કહ્યું કે, 2 જૂન પહેલાં નવી સરકારનું ગઠન થવું જરૂરી હતું. સાથે જ સંપૂર્ણ રમજાન મહિના દરમિયાન ચૂંટણી ન યોજવી તે પણ સંભવ નથી. માટે ચૂંટણી પંચ એ વાતનું પૂરતુ ધ્યાન રાખશે કે, કોઈ પણ શુક્રવાર અથવા તો કોઈ તહેવાર દરમિયાન મતદાન ન થાય. ચૂંટણી પંચનું કહેવું છે કે, અમારી પાસે આ તારીખોમાં ફેરફાર કરવો કે, ચૂંટણીના સમયમાં ફેરફાર કરવાનો કોઈ વિકલ્પ જ ન હતો.

તમને જણાવી દઈએ કે, ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં મતદાનની તારીખ રમજાન મહિનામાં આવી રહી છે. જેથી મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી  પંચના આયોજન પર સવાલો ઉઠાવ્યાં હતાં. અને આ તારીખમાં ફેરફાર કરવાની માગ કરી હતી.

કોલકાત્તાના મેયર અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફિરહાદ હાકિમે કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે, અને અમે તેમનું સમ્માન કરીએ છીએ. 7 તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં બિહાર, યુપી, અને પશ્ચિમ બંગાળના લોકોને મુશ્કેલી પડશે. અને આ ચૂંટણી દરમિયાન સૌથી વધુ મુશ્કેલી મુસ્લીમ લોકોને થશે કારણ કે, મતદાનની તારીખ રમજાન મહિનામાં રાખવામાં આવી છે.

બીજી તરફ AIMIMના નેતા ઔવેસીએ કહ્યું કે, રમજાન દરમિયાન મતદાનથી કોઈ મુશ્કેલી નથી. રમજાન દરમિયાન શું મુસલમાનો કામ નથી કરતા. ઔવેસીએ કહ્યું તે રમજાનમાં ચૂંટણીનું સ્વાગત કરે છે. રમજાનમાં રોજા પણ રાખીશું અને મતદાન પણ કરીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]